સુરત : ગુજરાતમાં માદક પદાર્થો અને પ્રતિબંધિત વસ્તુઓની હેરાફેરી વિરુદ્ધ સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ને મોટી સફળતા મળી હતી. જેમાં પોલીસે અંદાજે રૂપિયા 5.85 કરોડની કિંમતનું પ્રતિબંધિત કોબ્રા સાપનું ઝેર જપ્ત કર્યું હતું. વડોદરાથી સુરત ઝેર વેચવા આવેલા સાત શખ્સોની ટોળકીને પોલીસે સરથાણા વિસ્તારમાંથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
કોબ્રા સાપનું કિંમતી ઝેર વેચવા આવેલી ટીમ ઝડપાઈ
આ ઓપરેશનની વિગતો મુજબ, એસઓજીના પી.આઈ. એ.પી. ચૌધરીને બાતમી મળી હતી કે એક ગેંગ કોબ્રા સાપનું કિંમતી ઝેર વેચવા માટે સુરતમાં ગ્રાહક શોધી રહી છે. ગુનેગારોને પકડવા માટે પોલીસે ફિલ્મી સ્ટાઈલમાં છટકું ગોઠવ્યું હતું. પી.આઈ. ચૌધરીએ પોતે ગ્રાહક બનીને આ ટોળકીનો સંપર્ક કર્યો અને કરોડો રૂપિયામાં ઝેર ખરીદવાની લાલચ આપી હતી. નાણાંની લાલચમાં આવી ગયેલી આ ટોળકી સોદો નક્કી કરવા માટે સરથાણા વિસ્તારમાં મિટિંગ કરવા પહોંચી હતી. જ્યાં અગાઉથી વોચમાં રહેલી પોલીસે ત્રાટકીને સાતેય આરોપીઓને રંગેહાથ દબોચી લીધા હતા.
કોબ્રાનું ઝેર 'એન્ટી-વેનમ' રસી બનાવવામાં મુખ્ય ઘટક
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર વડોદરાથી સુરત લાવવામાં આવ્યું હતું. સામાન્ય રીતે કોબ્રાનું ઝેર અત્યંત મોંઘું અને પ્રતિબંધિત હોય છે. તબીબી ક્ષેત્રે તેનો ઉપયોગ બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, અને લોહી ગંઠાઈ જવાની સમસ્યા નિવારવાની દવાઓ બનાવવામાં થાય છે. આ ઉપરાંત, કેન્સરની સારવાર અને સાપ કરડ્યા સામેની 'એન્ટી-વેનમ' રસી બનાવવામાં પણ તે મુખ્ય ઘટક છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી હાઈ-પ્રોફાઈલ રેવ પાર્ટીઓમાં નશા માટે પણ આ ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ વધ્યો હોવાની આશંકા છે. પોલીસે રૂપિયા 5.85 કરોડનું ઝેર કબજે કરીને આ નેટવર્ક પાછળ અન્ય કોણ સંડોવાયેલું છે. આ ઝેર ક્યાંથી મેળવવામાં આવ્યું હતું તે દિશામાં ઉંડી તપાસ શરૂ કરી છે.