(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: રાજ્યની 6500 જેટલી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ શાળાઓમાં છેલ્લા 19 વર્ષથી 4546 જેટલા ક્લાર્કની જગ્યા ખાલી છે તેવામાં શાળા કમિશનર ઓફિસે શિક્ષણ વિભાગને શાળા સહાયકની ભરતી કરાર આધારિત કરવા દરખાસ્ત મોકલતા વિરોધ થયો છે. રાજ્યના શાળા સંચાલકોએ કરાર આધારિત ક્લાર્કની ભરતી મામલામાં સરકાર સામે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારતા મામલો વકર્યો છે.
કાયમી ક્લાર્કની ભરતી કરવા માટે માંગણી
રાજ્ય શાળા સંચાલક મંડળે રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ક્લાર્કની 11 મહિનાની કરાર આધારિત ક્લાર્કની ભરતીના બદલે કાયમી ક્લાર્કની માંગ કરી છે. જો સરકાર સંચાલક મંડળની માંગણી નહીં સ્વિકારે તો તેમણે કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી છે. આ સમગ્ર મામલે રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખે જણાવ્યું હતું કે, રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં પહેલા 250 વિદ્યાર્થીઓએ એક ક્લાર્ક ભરતી કરવાની જોગવાઈ હતી. ત્યારબાદ રાજ્ય સરકારે તેમાં સુધારો કરી 500 વિદ્યાર્થીઓએ એક ક્લાર્કની ભરતીની જોગવાઈ કરી હતી.
શ્રમયોગી અને કર્મયોગીના નામે ફિક્સ પગારે ક્લાર્કની ભરતી
વધારે વિગતે વાત કરવામાં આવે તો, શ્રમયોગી અને કર્મયોગીના નામ આપી ફિક્સ પગારે ક્લાર્કની ભરતીની જોગવાઈ કરી અને ત્યારબાદ 2007થી 2026 સુધી હવે શાળાઓમાં ક્લાર્ક નથી અને હવે પ્રાથમિક શાળાઓની માફક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શાળા સહાયકની ભરતી કરવા માંગે છે. જે માટે શાળા કમિશનર ઓફિસે શિક્ષણ વિભાગને શાળા સહાયકની ભરતી કરાર આધારિત કરવા દરખાસ્ત કરી એ કોઈપણ સંજોગોમાં ચાલી ન શકે. અમારે કાયમી ક્લાર્કની જરૂર છે તે માટે અમે સરકાર સામે હાઈકોર્ટમાં પણ જઈશું. તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.