પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળા દરમિયાન જ્યોતિષપીઠના શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી સાથે પોલીસ દ્વારા કરવામાં આવેલી કથિત ગેરવર્તણૂકનો મામલો હવે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ ઘટનાને લઈને કોંગ્રેસ પક્ષે કેન્દ્રની ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરતા તેને 'સનાતન ધર્મનું અપમાન' ગણાવ્યું છે. સોમવારે કોંગ્રેસે આ મામલે મૌન તોડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તક્ષેપની માંગ કરી છે અને ધર્મના નામે રાજનીતિ કરતી સરકારની નિયત પર સવાલો ઉઠાવ્યા છે.
શું હતી સમગ્ર ઘટના?
માઘ મેળા દરમિયાન જ્યારે શંકરાચાર્ય પોતાના મોટી સંખ્યામાં અનુયાયીઓ સાથે સંગમ સ્નાન માટે જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને અધવચ્ચે જ અટકાવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, શંકરાચાર્ય પરવાનગી વગર 200-250 લોકોના ટોળા સાથે બેરિકેડ તોડીને આગળ વધી રહ્યા હતા, જેનાથી સુરક્ષા જોખમાઈ શકે તેમ હતી. આ રોકટોકને કારણે અફરાતફરી મચી ગઈ હતી અને નારાજ થઈને શંકરાચાર્ય સ્નાન કર્યા વગર જ પરત ફર્યા હતા. કોંગ્રેસના નેતા પવન ખેડાએ દાવો કર્યો છે કે આ ઘટનાથી વ્યથિત થઈને શંકરાચાર્ય હાલમાં ભૂખ હડતાળ પર ઉતરી ગયા છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન પવન ખેડાએ ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, ભાજપને માત્ર સત્તા અને પૈસામાં જ રસ છે, ધર્મ અને આસ્થામાં નહીં. તેમણે આક્ષેપ કર્યો કે જે સંત સરકાર સામે ઝૂકતા નથી, તેમને દબાવવા માટે આખી ટ્રોલ આર્મી કામે લગાડવામાં આવી છે. કોંગ્રેસે તર્ક આપ્યો કે ઈતિહાસમાં હંમેશા રાજા સંતોના ચરણોમાં ઝૂકે છે, પરંતુ અહીં ઉલટું થઈ રહ્યું છે. જો વડાપ્રધાન આ ઘટનામાં હસ્તક્ષેપ નહીં કરે તો તેઓ 'સનાતની' નહીં પણ 'ધનાતની' કહેવાશે તેવો ટોણો પણ માર્યો હતો.
કોંગ્રેસના મતે, શંકરાચાર્યનો એકમાત્ર 'ગુનો' એ છે કે તેઓ સરકારની હાજી-હા નથી કરતા. તેમણે અગાઉ અયોધ્યામાં અધૂરા મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા, મહાકુંભની ગેરવ્યવસ્થા અને કોરોનાકાળમાં ગંગામાં વહેતા મૃતદેહો જેવા ગંભીર મુદ્દાઓ પર સરકારને સવાલ કર્યા હતા. પક્ષે એવો સવાલ પણ ઉઠાવ્યો કે જ્યારે આરએસએસ પ્રમુખ મોહન ભાગવતને Z+ સુરક્ષા આપવામાં આવે છે, ત્યારે એક શંકરાચાર્યને શાહી સ્નાન કરતા કેમ રોકવામાં આવે છે? આ ભાજપનો બેવડો ચહેરો છતો કરે છે.
કોંગ્રેસ નેતાએ અંતમાં ઉમેર્યું કે ભાજપ લોકોની આસ્થા સાથે રમત રમીને તેમને મૂર્ખ બનાવી રહી છે. ઉલ્લેખનીય છે કે, મૌની અમાવસ્યાના અવસરે સંગમ તટ પર ૪.૫૨ કરોડથી વધુ શ્રદ્ધાળુઓએ આસ્થાની ડૂબકી લગાવી હતી. આવી વિશાળ જનમેદની વચ્ચે શંકરાચાર્ય જેવા સર્વોચ્ચ ધર્મગુરુ સાથે થયેલું આ વર્તન આસ્થાવાન લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે અને આગામી દિવસોમાં આ વિવાદ વધુ ગરમાય તેવી શક્યતા છે.