Tue Jan 20 2026

Logo

White Logo

'તું કંઈ દાદાનો દીકરો થઈ ગયો છે' કહી અમરેલી : GIDCમાં ટ્રક ડ્રાઇવર પર હુમલો કરાયો

1 month ago
Video

અમરેલીઃ  જીઆઈડીસીમાં  એક ટ્રક ડ્રાઇવર પર ચાર અજાણ્યા શખ્સો દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી હતી. માત્ર દસેક દિવસ પહેલાના સામાન્ય રસ્તાના વિવાદને લઈને આ હુમલો થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું હતું. બનાવ અંગે જયરાજભાઈ અનકભાઈ ખુમાણ (ઉ.વ.૪૧) એ બાબુભાઈ કાબરીયા, જતીન કાબરીયા, બાબુભાઈ કાબરીયાનો જમાઈ તથા અજાણ્યો ઈસમ સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ  જી.આઈ.ડી.સી. સ્થિત વિશાલ મીલ ખાતે સિંગ ઉતારવા માટે ટ્રક લઈને ગયા હતા. તે દરમિયાન ચારેય આરોપીઓ તેમની પાસે ધસી આવ્યા હતા.

બાબુભાઈ કાબરીયાએ તેમને કહ્યું, દસેક દિવસ પહેલા તું કાઠી સમાજની વાડી પાસે ટ્રક લઈને જતો હતો અને હું મારું ટ્રેક્ટર લઈને સામે આવેલો, પરંતુ તેં તારો ટ્રક સાઈડમાં લીધેલો નહીં. તું કંઈ દાદાનો દીકરો થઈ ગયેલ છે? આટલું કહીને તમામ આરોપીઓએ ફરિયાદીને ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. આરોપીએ તેના હાથમાં રહેલી લાકડીનો એક ઘા ફરિયાદીને જમણા હાથ પર માર્યો હતો. અન્ય આરોપીએ લાકડીના ઘા મારતા નીચે પડી ગયો હતા. તેઓ નીચે પડી જતાં ચારેય આરોપીઓએ ભેગા મળીને  શરીરે મૂંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ સમગ્ર ઘટનામાં ચારેય આરોપીઓએ એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યો હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. ઈજાગ્રસ્ત ટ્રક ડ્રાઇવરે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.