અમદાવાદ: એશિયાની સૌથી મોટી મહાનગરપાલિકાઓમાં અમદાવાદ મહાનગપાલિકાનો સમાવેશ થાય છે. અમદાવાદ મહાનગરપાલિકા ₹15,000 કરોડનું જંગી બજેટ ધરાવે છે. આવું જંગી બજેટ ધરાવતી મહાનગરપાલિકામાં મોટું કૌભાંડ આચરાયું હોવાની વાત સામે આવી છે. ખાસ વાત તો એ છે કે, આ કૌભાંડ મેયરના નામે આચરવામાં આવ્યું છે.
કૌભાંડ કઈ રીતે બહાર આવ્યું?
અમદાવાદના મેયરને વિશેષ ખર્ચ કરવાની સત્તા હોય છે, જેના બિલો નાણા વિભાગ દ્વારા મંજૂર થાય છે. તાજેતરમાં એક RTI દ્વારા મેયરના ખર્ચની વિગતો માંગવામાં આવી હતી. આ માહિતીની ચકાસણી દરમિયાન ભાજપના સત્તાધીશોને શંકા ગઈ હતી કે કેટલાક બિલો બોગસ છે અને જે કાર્યક્રમો યોજાયા જ નથી અથવા જેમાં ખર્ચ ઓછો થયો છે તેના નામે મોટી રકમના ખોટા બિલો મૂકાયા છે.
અમદાવાદ મહાનગરપાલિકા (AMC)માં મેયરના ખર્ચના નામે બોગસ બિલો રજૂ કરી લાખો રૂપિયાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. આ ગંભીર મામલે મેયર પ્રતિભા જૈન, ડેપ્યુટી મેયર જતીન પટેલ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની સાથે તાકીદની બેઠક યોજી હતી. આ બેઠકમાં જ્યારે બોગસ બિલોના પુરાવા રજૂ કરાયા ત્યારે કમિશનર નાણા વિભાગના અધિકારીઓ પર ભારોભાર ગુસ્સે થયા હતા.
અધિકારીઓ સામે કડક કાર્યવાહી
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કાર્યવાહીના ભાગરૂપે નાણા વિભાગના ચીફ એકાઉન્ટન્ટ અમીષ શાહને આ ગંભીર બેદરકારી બદલ 'કારણદર્શક નોટિસ' ફટકારવામાં આવી છે. કૌભાંડને દબાવવા માટે વિભાગના બે ક્લાર્કને સસ્પેન્ડ કરી દેવાયા હતા, પરંતુ કમિશનરે આ વાતની જાણ થતા સસ્પેન્શન રદ કરી ઉંડાણપૂર્વક તપાસના આદેશ આપ્યા છે. ભાજપના પદાધિકારીઓની માંગણીને પગલે સમગ્ર પ્રકરણની તપાસ વિજિલન્સ વિભાગને સોંપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઉચ્ચ અધિકારીઓની મિલીભગત વગર આટલું મોટું કૌભાંડ શક્ય નથી, એવું ભાજપના નેતાઓએ સ્પષ્ટ કર્યુ છે. માત્ર નાના કર્મચારીઓને બલિનો બકરો બનાવવાને બદલે જવાબદાર તમામ અધિકારીઓ સામે પગલાં લેવાની સૂચના આપવામાં આવી છે. આ કૌભાંડ બહાર આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.