મોર્નિંગ મ્યૂસિંગ - રાજ ગોસ્વામી
એક સમયની ડાહીડમરી ‘ગુડ્ડી’ જયા બચ્ચન, આજકાલ તેમના ગુસ્સેલ અવતારના કારણે સોશ્યલ મીડિયામાં છવાયેલી છે. એક તરફ પ્રશંસકો તેમની બેબાકીની પ્રશંસા કરે છે ત્યારે બીજી તરફ સોશ્યલ મીડિયા પર ભારે વગોવાયેલી છે.
તેમનો ‘શોર્ટ ટેમ્પર’ સ્વભાવ સતત ચર્ચાનું વિષય બની રહ્યો છે. વરિષ્ઠ પત્રકારો અને મીડિયાના લોકો તેમની આ નકારાત્મક સાર્વજનિક ઈમેજ પાછળનાં કારણો પર ખુલ્લેઆમ મંતવ્યો આપી રહ્યાં છે. અને લોકો તેમના પતિ અમિતાભ બચ્ચનના શાંત અને નિયંત્રિત વલણને જયા સાથે સરખાવીને ગુસપુસ કરતા રહે છે.
એમાં હવે તો જ્યાજીએ ખુદ પોતાના આ વર્તન પર થોડો પ્રકાશ પાડ્યો છે.
તાજેતરમાં પત્રકાર બરખા દત્તના એક કાર્યક્રમમાં ઉપસ્થિત જયાજીએ ‘પાપારાજી’ (સેલિબ્રિટીઓના ફોટા પાડવા ગમે તે કરવા તત્પર એવા સ્વતંત્ર ફોટોગ્રાફરો) પર ગુસ્સો કાઢ્યો હતો.
સાર્વજનિક સ્થળો પર તેમની સતત નારાજગી અંગે પુછાયેલા અણિયાળા સવાલ પર જયાએ આક્રોશથી કહ્યું હતું;
‘હું મીડિયાની ઉપજ છું, પરંતુ પાપારાજી સાથે મારો સંબંધ શૂન્ય છે. કોણ છે આ લોકો? શું એ લોકો આ દેશના પ્રતિનિધિ છે? તેમના હાથમાં મોબાઇલ ફોન છે અને તેમને એવું લાગે છે કે એ કોઇપણની તસ્વીર લઇ શકે છે અને ઈચ્છે તેવી કોમેન્ટ કરી શકે છે. આ જે બહાર ડ્રેન-પાઈપ ટાઈપનાં ગંદા પેન્ટ પહેરીને, હાથમાં મોબાઈલ લઈને ઊભા રહે છે, તમે આ લોકોને મીડિયા કહો છો? હું મીડિયામાંથી આવું છું. મારા પિતા (તરુણ કુમાર ભાદુરી) એક પત્રકાર હતા. એવા લોકો માટે મારા મનમાં બહુ સન્માન છે.’
જયાજીએ કહ્યું હતું કે મને ખબર છે કે સોશ્યલ મીડિયામાં મારી આ નકારાત્મક ઈમેજ છે, પણ મને એની કોઈ પરવા નથી. એક કાર્યક્રમ દરમિયાન, જયા લંચ કરી રહી હતી ત્યારે એક ફોટોગ્રાફરે તેમના ફોટા લેવાનું શરૂ કરી દીધું હતું.
એટલે તે ભડકી ગયાં હતાં અને ત્યાંથી ઊઠીને જતાં રહ્યાં ... દેખીતી રીતે જ તેમની નિજતા (પ્રાઈવસી)નું ઉલ્લંઘન થાય છે તે પસંદ નથી અને એટલે જ એ વખતોવખત એન્ગ્રીં ઓલ્ડ વુમન બની જાય છે.
અમુક લોકો એવું પણ કહે છે કે જયામાં ગુસ્સાની સમસ્યા (એન્ગર ઇસ્યુ) સમસ્યા છે. એ સતત ગુસ્સામાં જ હોય છે. એ ઉંમરના કારણે હશે? પારિવારિક કારણોથી હશે? લોકો ગુસપુસ કરતા રહે છે..
થોડા વખત પહેલાં, ‘કોફી વિથ કરણ’ કાર્યક્રમમાં તેમનાં સંતાનો અભિષેક અને શ્વેતા બચ્ચને આનો ખુલાસો કરતાં કહ્યું હતું કે તેમની માતાનો સ્વભાવ ગુસ્સાવાળો નથી, બલકે તે ફોબિયા અને એન્ગ્ઝાઈટીથી ઉત્પન્ન થાય છે.
શ્વેતાએ કહ્યું હતું કે તેની માતા ભીડભાડવાળી જગ્યાઓમાં ક્લસ્ટ્રોફોબિયાનો અનુભવ કરે છે. લોકો જ્યારે તેમની પર્સનલ સ્પેસમાં ઘૂસી જાય છે, ધક્કામુક્કી કરવા લાગે છે અને પૂછ્યા વગર ફોટા પાડવા લાગે છે, ત્યારે એ પોતાની સહજતા ગુમાવે છે.
તેમને એવું લાગવા માંડે છે કે તે ફસાઈ ગયાં છે અને પછી એ ગુસ્સામાં પ્રતિક્રિયા આપે છે. મતલબ કે તેમનો ગુસ્સો ડર અથવા એન્ગ્ઝાઈટીથી બચવાનો એક ઉપાય છે.
અભિષેકે મજાક કરતાં કહ્યું હતું કે ‘સાર્વજનિક રીતે બહાર જતાં પહેલાં તે, પિતા અમિતાભ બચ્ચન અને ઐશ્વર્યા હાથ જોડીને ભગવાનને પ્રાર્થના કરે છે (કે જયાજીને ફોટોગ્રાફરથી બચાવે) અને ક્યારેક તે શ્વેતાને તેમની મા સાથે આગળ મોકલે છે, જેથી બધાને ઠીક કરી નાખે!’
2014માં પણ એક ઇન્ટરવ્યૂમાં જયાએ કહ્યું હતું કે ‘મારામાં લોકોની મૂર્ખતા માટે ધીરજ નથી. કોઈની પાસેથી કશું શીખવા જેવું હોય, તો તેમને ચીડ નથી ચઢતી. હું એટલા માટે અકળાવ છું.’ જયાએ કહ્યું હતું, ‘કારણ કે લોકો મારો સમય બરબાદ કરે છે. હું મૂર્ખતાને સહન નથી કરી શકતી.’
જયાજીએ ખુદને આવેગશીલ (ઈમ્પલસિવ) ગણાવી છે. જયાએ એ પણ સ્વીકાર કર્યો હતો કે તેમના પતિ (અમિતજી ) તેમને ‘બહુ રિએકશનરી’ (તત્કાળ પ્રતિક્રિયા આપનારી) ગણે છે. તેમણે કહ્યું હતું, ‘મને ખબર નથી કે બાલિશ કહેવાય કે નહીં, પણ હું સહજ છું, તમે મારી સામે કશું કરો એટલે હું વગર વિચારે પ્રતિક્રિયા આપું છું.’
જાણીતાં ફિલ્મ પત્રકાર ભાવના સોમૈયાએ એકવાર આ સંદર્ભે કહ્યું હતું, ‘જયા બચ્ચન તે સમયની એક્ટ્રેસ છે, જ્યારે મીડિયા અને સેલિબ્રિટીઝ વચ્ચેનો સંબંધ ખૂબ ઔપચારિક અને સન્માનજનક હતો. પાપારાજીના કલ્ચરમાં અચાનક વધારો થવો અને ‘દરેક જગ્યાએ, દરેક સમયે’ કેમેરા લઈને પાછળ પડી જવાનું તેમને સ્વીકાર્ય નથી. જયાજી તેને પર્સનલ સ્પેસનું હનન માને છે. જ્યારે પણ કોઈ ફોટોગ્રાફર કે સામાન્ય ચાહક અનુમતિ વગર તેમની બહુ નજીક આવી જઈને ફોટો લેવાની કોશિશ કરે છે, ત્યારે તેમનો ગુસ્સો ફૂટી નીકળે છે.’
ગુસ્સાનું એક વધુ મહત્ત્વનું કારણ તેમનું જાહેર જીવન અને આઇડેન્ટિટી સાથે જોડાયેલું છે. રાજ્યસભામાં પણ તેમણે ઘણીવાર તેમના નામોલ્લેખ અંગે અસંતોષ વ્યક્ત કર્યો છે. એકવાર જ્યારે સ્પીકરે તેમને ‘જયા અમિતાભ બચ્ચન’ કહીને બોલાવ્યાં હતાં, ત્યારે તેમણે ભાર દઈને તેનો વિરોધ કર્યો હતો. તેમનો આ ગુસ્સો માત્ર ઔપચારિકતા નહીં પણ તે એક સ્ત્રી તરીકે તેમની સ્વતંત્ર ઓળખ અને સિદ્ધિઓના સન્માન માટે હતો. તેમને હંમેશાં એ સવાલ રહ્યો છે કે એક સ્ત્રી તેના પતિના નામથી જ કેમ ઓળખાવી જોઈએ, જ્યારે સંસદ જેવા ગૌરવસભર મંચ પર તેમની પોતાની સિદ્ધિઓ બોલે છે.
વરિષ્ઠ પત્રકારો પણ માને છે કે જયા બચ્ચન તેમના પદ અને વરિષ્ઠતા પ્રત્યે પૂરા સન્માનની અપેક્ષા રાખતાં હોય છે. જ્યારે તેમને લાગે છે કે તેમના અથવા તેમના સહકર્મીઓ સાથે અસમ્માનજનક વર્તન થઈ રહ્યું છે, ત્યારે એ ઉકળી જાય છે ...
બીજી તરફ જયા બચ્ચનના તીવ્ર અને ગુસ્સેલ વર્તન વિરુદ્ધ, તેમના પતિ અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનનો સાર્વજનિક વ્યવહાર મોટેભાગે શાંત અને નિયંત્રિત હોય છે. જયા બચ્ચન ગુસ્સામાં પાપારાજીને ઠપકો આપતી રહે છે, પણ એવી જ પરિસ્થિતિમાં અમિતાભ બચ્ચન શાંત રહે છે અને પરિસ્થિતિને બગડતી અટકાવવા પ્રયાસ કરે છે. ‘કેબીસી’ શો પર અમિતાભ બચ્ચને એકવાર મજાકમાં કહ્યું હતું કે ‘જ્યારે તેમની પત્ની ગુસ્સામાં હોય, ત્યારે તેમને એક રૂમમાં બંધ કરી દેવાં જોઈએ...!’
એ વાત સાચી કે સાર્વજનિક જીવનમાં જયા બચ્ચને વધુ સંયમિત વ્યવહાર કરવો જોઈએ, પણ એટલી સચ્ચાઈ એ પણ છે કે આપણે ત્યાં પાપારાજી કલ્ચર હવે અસહનીય થઇ ચુક્યું છે. જયા જેવા જ અનુભવ અનેક સેલિબ્રિટીઓને થાય છે. ફરક એટલો છે કે એ બધા મૌન રહીને તે સહન કરે રાખે છે, જ્યારે જયાજી સાડીબારી રાખ્યા વગર મ્હોંઢા પર કહી દે છે.