થરાદ: બનાસકાંઠાના થરાદમાં એક યુવકે સામાજિક બદનામી અને જાનથી મારી નાખવાની ધમકીઓથી કંટાળી નર્મદા કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મૃતક કિરણભાઈ ઠાકોરના ભાઈ શ્રવણભાઈ ઠાકોરે આ મામલે બે શખ્સો વિરુદ્ધ ગંભીર આક્ષેપો સાથે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવાયું હતું કે, આરોપીઓના માનસિક ત્રાસ અને ધમકીઓને કારણે તેમનો ભાઈ આત્મહત્યા કરવા મજબૂર બન્યો હતો.
ફરિયાદની વિગતો અનુસાર, ગત ૧૬ જાન્યુઆરીના રોજ મોન્ટુ અશોકભાઈ મહારાજ અને ભરતભાઈ કાળુભાઈ દવેએ કિરણભાઈને બોલાવ્યા હતા. ત્યાં બંને શખ્સોએ કિરણભાઈ સાથે ઝઘડો કરી તેમને માર માર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ એવી ધમકી આપી હતી કે, "તને અઠવાડિયા પછી ગધેડા પર બેસાડી આખા થરાદમાં ફેરવીશું અને તારી જિંદગી જીવવા જેવી નહીં રાખીએ." અગાઉ પણ આરોપીઓએ પોતાની વગ બતાવી કિરણભાઈને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હોવાનું બહાર આવ્યું હતું.
આ ભયાનક અપમાન અને ધમકીઓથી ડરી ગયેલા કિરણભાઈ જ્યારે તેમના સંબંધી લાલાભાઈ સાથે એક્ટિવા પર પરત ફરી રહ્યા હતા, ત્યારે નર્મદા કેનાલના પુલ પાસે અચાનક ઉતરીને કેનાલમાં કૂદી પડ્યા હતા. કેનાલમાં પડતા પહેલા કિરણભાઈએ લાલાભાઈને જણાવ્યું હતું કે આ શખ્સો તેમને સતત હેરાન કરી રહ્યા છે અને હવે તેમના ત્રાસમાં રહેવા કરતા મરી જવું બહેતર છે. આ ઘટના અંગે થરાદ પોલીસે ભરતભાઈ કાળુભાઈ દવે અને મોન્ટુ અશોકભાઈ મહારાજ વિરુદ્ધ આત્મહત્યા માટે મજબૂર કરવાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. મૃતકના પરિવારે આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી.