અમદાવાદ: આજે વહેલી સવારથી જ ઉત્તર ભારત સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસની ચાદર જોવા મળી હતી. દિલ્હી-NCR અને વડોદરા-મુંબઈ હાઈવે પર વિઝિબિલિટી (દ્રશ્યતા) અત્યંત ઘટી જતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી થોડા દિવસો સુધી વાતાવરણ આવું જ રહેવાની શક્યતા છે, જેના કારણે સવારના સમયે રસ્તાઓ પર વાહનોની ગતિ ધીમી પડી ગઈ છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, દિલ્હી, પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ સુધી ગાઢ ધુમ્મસમાંથી રાહત મળવાની આશા નથી. ઓછી દ્રશ્યતાના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે અને હજુ પણ કેટલાક દિવસો સુધી કડકડતી ઠંડી સાથે ધુમ્મસભર્યું વાતાવરણ યથાવત રહેશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ગુજરાત હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં હાલ ઉત્તર-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. જેના કારણે આગામી સાત દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની સંભાવના નથી. અમદાવાદમાં તાપમાન 15 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. જોકે, પવનની દિશામાં થયેલા ફેરફારને કારણે રાજ્યના વિવિધ ભાગોમાં મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.
હવામાન નિષ્ણાતોએ આગામી સપ્તાહમાં ગુજરાતમાં કમોસમી વરસાદ એટલે કે 'માવઠા'ની આગાહી કરી છે. આ આગાહીને પગલે ખાસ કરીને રવિ પાક અને કેરીના પાક પર જોખમ તોળાઈ રહ્યું છે. વાતાવરણમાં આવનારા આ અચાનક પલટાને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. જો કમોસમી વરસાદ પડે તો તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.