ભુજઃ ગાંધીધામમાં કાર્ગો યાદવનગર સામે માર્ગ ઓળંગી રહેલા મંજુબેન રમેશ સોલંકીને ડમ્પરે હડફેટમાં લેતાં આ માતાએ જીવ ખોયો હતો, જયારે અંજારમાં ટ્રેન હેઠળ આવી જતાં અમિત ઉપાધ્યાય (ઉ.વ.૩૫)નું મોત થયું હતું, બીજી તરફ પ્રાગપર પોલીસમાં ગ્રામ રક્ષક દળમાં ફરજ બજાવતા મૂળ વવારના ૪૭ વર્ષીય મેઘરાજ કરશન કારિયા (ગઢવી)ને કાર સાથે અકસ્માત નડતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, ગાંધીધામના કાર્ગો બાપા સીતારામ નગરમાં રહેતાં મંજુબેન સોલંકીને અકસ્માત નડયો હતો. તેઓ લાકડાં વીણવા નીકળ્યા હતા અને પોતાના મોટા પુત્રને બે કલાક બાદ છકડો લઇને ત્યાં આવવા જણાવ્યું હતું. બે કલાક બાદ તેમનો પુત્ર અને અશોકકુમાર સોલંકી છકડો લઇને યાદવનગર પાસે પહોંચ્યાં એ વેળાએ મંજુબેન અને તેમના બહેન લાકડાં વીણીને માર્ગ ઓળંગી રહ્યા હતા ત્યારે ગાંધીધામથી કંડલા જઈ રહેલું ડમ્પર (નંબર જી.જે.-૩૯-ટી-૯૯૪૩)એ આ મહિલાને પુત્ર અને ફરિયાદીની નજર સમક્ષ હડફેટમાં લેતાં ગંભીર ઇજાઓના પગલે તેમનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. પોલીસે ડમ્પર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી હતી
વધુ એક અકાળ મૃત્યુનો બનાવ અંજારમાં બન્યો હતો જેમાં રેલવે ટ્રેક પર જઈ રહેલા અમિત ઉપાધ્યાય નામનો યુવક ધસમસતી ટ્રેન હેઠળ આવી જતાં તેને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. અમિતને પ્રથમ ભુજ અને બાદમાં વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમ્યાન તેણે છેલ્લા શ્વાસ લીધા હતા. હતભાગીએ આપઘાત કર્યો હોવાની આશંકાના આધારે પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી.
દરમ્યાન, પ્રાગપર પોલીસ મથકમાં ગ્રામ રક્ષકદળ (જીઆરડી) તરીકે ફરજ બજાવતા વવારના મેઘરાજભાઇ વહેલી સવારે તેમના મોટરસાઇકલ (નં. જીજે-૧૨-એચબી-૨૩૯૩) પર પ્રાગપર પોલીસ મથકે આવી રહ્યા હતા, ત્યારે પાછળથી પૂરપાટ આવેલી કિયા કાર (નં. જીજે-૧૨-એફએ-૬૪૧૧) એ ટક્કર મારતાં મેઘરાજભાઇને માથા તથા પગના ભાગે ગંભીર ઇજા પહોંચતાં તેમનું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજતાં પોલીસ બેડા અને પરિજનોમાં ગમગીની પ્રસરી હતી.