વિજય શાહ સામે કેસ ચલાવવા મુદ્દે રાજ્ય સરકારને અલ્ટીમેટમ આપ્યું
નવી દિલ્હીઃ દેશની વડી અદાલતે મધ્ય પ્રદેશ સરકારને ઓપરેશન સિંદૂર પછી ભારતીય સૈન્ય અધિકારી કર્નલ સોફિયા કુરેશી વિરુદ્ધ કથિત વાંધાજનક ટિપ્પણી કરવા બદલ રાજ્ય પ્રધાન કુંવર વિજય શાહ સામે કેસ ચલાવવાની મંજૂરી આપવા અંગે બે અઠવાડિયામાં નિર્ણય લેવાનો નિર્દેશ આપ્યો છે.
કર્નલ કુરેશીને નિશાન બનાવીને 'અપમાનજનક' અને 'વાંધાજનક' ટિપ્પણી કરવા બદલ શાહને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત સીટ તપાસનો સામનો કરવો પડ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ દીપાંકર દત્તા અને જોયમાલ્યા બાગચીની ખંડપીઠે જણાવ્યું કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ(સીટ)એ તેની તપાસ પૂરી કરી લીધી છે અને તેનો અંતિમ અહેવાલ સોંપી દીધો છે.
જો કે આગળની કાર્યવાહી અટકી ગઇ છે કારણ કે રિપોર્ટને ભારતીય દંડ સંહિતા(બીએનએસ)ની કલમ ૧૯૬ હેઠળ રાજ્ય સરકારની ફરજિયાત મંજૂરીની રાહ છે, જે કોમી દ્વેષ અને દુર્ભાવનાને પ્રોત્સાહન આપવા સાથે સંબંધિત છે.
સીજેઆઇએ કહ્યું કે તમે(રાજ્ય સરકાર) ૧૯ ઓગસ્ટ, ૨૦૨૫થી સીટ રિપોર્ટ પર બેઠા છો. કાયદા હેઠળ તમારા પર એક જવાબદારી છે અને તમારે તેના પર નિર્ણય લેવો જ પડશે. હવે ૧૯ જાન્યુઆરી, ૨૦૨૬ થઇ ગઇ છે.
ખંડપીઠે આદેશ આપ્યો કે અમને જણાવવામાં આવ્યું છે કે રાજ્યએ કોઇ કાર્યવાહી કરી નથી કારણ કે મામલો અહીં પેન્ડિંગ છે. અમે મધ્ય પ્રદેશ રાજ્યને કાયદા અનુસાર મંજૂરી માટે યોગ્ય પગલાં લેવાનો નિર્દેશ આપીએ છીએ. રાજ્ય સરકારનું પ્રતિનિધિત્વ કરી રહેલા વકીલે કહ્યું કે કેસ અહીં પેન્ડિંગ હોવાથી તેમણે સીટના અનુરોધ પર કાર્યવાહી કરી નથી.