Tue Jan 20 2026

Logo

White Logo

મુંબઈ-અમદાવાદ હાઈવે પર ટ્રાફિક પ્રતિબંધ: : પાલઘરમાં માછીમારોના આંદોલનને પગલે વહીવટીતંત્રનો નિર્ણય...

1 day ago
Author: Devayat Khatana
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ/મુંબઈ: જળ, જંગલ અને જમીનના મુદ્દે માછીમાર સમુદાય અને સીપીઆઈ(એમ) દ્વારા આયોજિત વિશાળ વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને પાલઘર જિલ્લા વહીવટીતંત્રે ૧૯ અને ૨૦ જાન્યુઆરી, ૨૦૨૬ના નેશનલ હાઈવે-૪૮ મુંબઈ-અમદાવાદ હાઈ-વે અને પાલઘર શહેરમાં મોટા પાયે ટ્રાફિક પ્રતિબંધો જાહેર કર્યા હતા. 

અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા મુજબ, આ લાંબી માર્ચમાં આશરે ૧૦,૦૦૦ થી ૧૧,૦૦૦ પ્રદર્શનકારી જોડાવવાની શક્યતા છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય નહીં તેના માટે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

જાહેરનામાં અનુસાર, ગુજરાતથી મુંબઈ તરફ આવતા તમામ ભારે વાહનોને આવતીકાલે સવારના આઠ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી અને ૨૦ જાન્યુઆરીએ સવારે ૬ વાગ્યાથી બપોરના ૨ વાગ્યા સુધી અચ્છાડ નાકા પાસે રોકી દેવામાં આવશે. આ વાહનોને હોટેલ, ઢાબા કે પેટ્રોલ પંપ જેવા સુરક્ષિત સ્થળોએ પાર્ક કરવા સૂચના અપાઈ છે. 

આ ઉપરાંત, પાલઘર શહેરમાં પણ બોઈસર અને મનોર તરફથી આવતા ભારે વાહનો પર બંને દિવસો દરમિયાન સવારે ૮ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. વહીવટીતંત્રે વૈકલ્પિક રૂટની પણ જાહેરાત કરી હતી, હળવા વાહનો મહાલક્ષ્મી બ્રિજ-વાઘાડી-વિક્રમગઢ અથવા ચરોટી નાકા-નિકાવલી-અંબોલી થઈને આગળ વધી શકશે. તેવી જ રીતે મનોરથી પાલઘર જવા માટે સફાળે અને માહિમ થઈને આગળ વધી શકે છે.