મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં લોકલ ટ્રેનોની વધતી લેટ-લતીફીથી પ્રવાસીઓ પરેશાન છે, પરંતુ વધતા ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામકાજને કારણે હવે ટ્રેનમાં ટ્રાવેલ કરવામાં નાકે દમ આવ્યો છે. પશ્ચિમ રેલવેમાં આવતીકાલે પણ સેંકડો ટ્રેન રદ કરવામાં આવી છે. છેલ્લા 30 દિવસથી જમ્બોબ્લોકને કારણે હેરાન થતા મુસાફરો હજુ બે દિવસ હેરાન પરેશાન થવાનું દૂર થશે નહીં. મંગળવારે કાંદિવલી કારશેડમાં ટેકનિકલ જાળવણી કાર્યને કારણે કુલ 102 લોકલ ટ્રેન સેવાઓ રદ કરવામાં આવી હતી તેમ જ કાંદિવલી અને મલાડ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇનમાં સ્પીડ રિસ્ટ્રિક્શનને કારણે ટ્રેનસેવા પર અસર પડશે.
પશ્ચિમ રેલવે એક મહત્વપૂર્ણ માળખાગત સીમાચિહ્ન પૂર્ણ કરી રહ્યું છે ત્યારે આ કામચલાઉ અવરોધ છે. મુંબઈ સેન્ટ્રલથી બોરીવલી છઠ્ઠી લાઇન પ્રોજેક્ટનો કાંદિવલી અને બોરીવલી વચ્ચેનો બાકી રહેલી 3.21 કિલોમીટરની લાઈન સફળતાપૂર્વક કાર્યરત થઈ જતા પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયું છે.
30 દિવસની અંદર અમલમાં મુકાયેલા આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય લાઇન ક્ષમતા વધારવાનો અને ઉપનગરીય અને લાંબા અંતરની ટ્રેનોનું વધુ સારું વિભાજન કરવાનો છે. આ વિભાજનથી મુંબઈના સૌથી વ્યસ્ત રેલવે કોરિડોરમાંથી એક પર નિયમિતતામાં સુધારો થશે અને ભીડ ઓછી થશે તેવી અપેક્ષા છે. આ પ્રોજેક્ટમાં બોરીવલીમાં અદ્યતન ઇલેક્ટ્રોનિક ઇન્ટરલોકિંગનું કમિશનિંગ, મુખ્ય પુલના કામો અને ઓવરહેડ સાધનોના અપગ્રેડનો સમાવેશ થાય છે. આ સુધારાઓ પશ્ચિમ ઉપનગરીય નેટવર્કમાં કાર્યકારી સલામતી અને વિશ્વસનીયતા સુધારો કરશે, એવો અધિકારીએ દાવો કર્યો હતો.

આવતીકાલે રદ કરાયેલી 102 સેવાઓમાંથી 12 કોચવાળી 83 લોકલ ટ્રેનો છે, જ્યારે 15 કોચવાળી 14 લોકલ ટ્રેનો છે. મોટા પ્રમાણમાં ટ્રેનો રદ થવાથી પીક અવર્સ દરમિયાન ઉપલબ્ધ સેવાઓમાં ભીડ વધવાની ધારણા છે. ઉપરાંત, આવતીકાલે 21 જાન્યુઆરી, 2026 ના રોજ કાંદિવલી કાર શેડ ખાતે પ્રવેશ અને બહાર નીકળવાની સસ્પેન્શનને કારણે 100થી વધુ ટ્રેન રદ કરવામાં આવશે. રોજેરોજ રેલવે બ્લોક જાહેર કરે છે, પરંતુ આ બ્લોકમાંથી ક્યારે મુક્તિ મળશે એની સમસ્યા પ્રવાસીઓને રોજ સતાવે છે, પણ એનો ઉકેલ આવતો નથી, એમ કાંદિવલીના રહેવાસીએ જણાવ્યું હતું.
કાંદિવલી કારશેડમાં પ્રવેશ અને બહાર નીકળવાનું બંધ થવાને કારણે અને કાંદિવલી અને મલાડ વચ્ચે અપ અને ડાઉન ફાસ્ટ લાઇનમાં સ્પીડ રિસ્ટ્રિક્શનને કારણે 21 જાન્યુઆરી, 2026ના 100થી વધુ ઉપનગરીય સેવાઓ રદ રહેશે. બ્લોકને કારણે અસરગ્રસ્ત ઉપનગરીય ટ્રેનોની યાદી પરિશિષ્ટ I માં આપવામાં આવી છે.