મુંબઈ: કોંગ્રેસે મંગળવારે દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ ખાતે થયેલા સમજૂતી કરારો પર મહારાષ્ટ્ર સરકારની ટીકા કરી, ભારતીય કંપનીઓ સાથે વિદેશમાં સોદા કરવા પાછળના હેતુ પર સવાલ ઉઠાવ્યા હતા.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ દાવોસમાં વાર્ષિક ઈકોનોમિક ફોરમની બેઠકમાં હાજરી આપી રહ્યા છે, જ્યાં તેમણે પહેલા દિવસે 14.5 લાખ કરોડ રૂપિયાના રોકાણ પ્રતિબદ્ધતાઓ અને 15 લાખથી વધુ નોકરીઓ સાથે સંકળાયેલા 19 એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.
નાગપુરમાં પત્રકારો સાથે વાત કરતા, કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે, ‘જો ભારતીય કંપનીઓ કરારો પર હસ્તાક્ષર કરવા વિદેશ જઈ રહી છે, તો તેનો શું ફાયદો? શું વિદેશી કંપનીઓ ખરેખર મહારાષ્ટ્રમાં રોકાણ કરશે?’
કોંગ્રેસના સાંસદ વર્ષા ગાયકવાડે પણ દાવોસમાં લોઢા ડેવલપર્સ સાથે થયેલા એમઓયુ પર રાજ્ય સરકારની ટીકા કરતા કહ્યું કે આ સોદો સરકારના સહ્યાદ્રી ગેસ્ટ હાઉસ, મંત્રાલય અથવા રિયલ એસ્ટેટ કંપનીના કાર્યાલયમાં થઈ શક્યો હોત.
‘દર વર્ષની જેમ, આ વર્ષે પણ, મુખ્ય પ્રધાન ફડણવીસ સાથે એક આખો કાફલો દાવોસમાં એમઓયુ પર હસ્તાક્ષર કરવા ગયો છે, જેમાંથી મોટાભાગની ભારતીય કંપનીઓ સાથે છે. ગયા વર્ષે, દાવોસમાં હિરાનંદાની અને રાહેજા ગ્રુપ્સ સાથે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા, જ્યારે આ બંને કંપનીઓ મુંબઈમાં સ્થિત છે. કરદાતાઓના પૈસા આ રીતે કેમ વેડફાય છે?’ એવા સવાલ તેમણે ઉપસ્થિત કર્યા હતા.