થાણે: ભાયંદરમાં 2021માં બાઈક અકસ્માતમાં મૃત્યુ પામેલા બિઝનેસમૅનના પરિવારને 35.24 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) આપ્યો હતો.
ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતેએ સોમવારે બેદરકારીથી બાઈક ચલાવનારા અને વીમા કંપનીને સંયુક્ત રીતે પિટિશન ફાઈલ થઈ ત્યાંથી રકમ જમા થાય ત્યાં સુધી વાર્ષિક નવ ટકા વ્યાજ સાથે વળતર ચૂકવવા માટે જવાબદાર ગણાવ્યા હતા.
અકસ્માતની ઘટના 19 મે, 2021ની રાતે બની હતી. ભાયંદરમાં રહેતો રાકેશ ગુપ્તા તેના સ્કૂટર પર ઘરે જતો હતો ત્યારે પુરપાટ વેગે આવેલી બાઈકે તેને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ગુપ્તાનું સારવાર દરમિયાન 6 જૂન, 2021ના રોજ મૃત્યુ થયું હતું.
આ પ્રકરણે નવઘર પોલીસે બાઈકસવાર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની સુસંગત કલમો અને મોટર વેહિકલ ઍક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. વીમા કંપની શ્રીરામ જનરલ ઈન્સ્યુરન્સે જણાવ્યું હતું કે ગુપ્તાની બેદરકારીથી અકસ્માત થયો હતો. તે યોગ્ય રીતે સ્કૂટર ચલાવતો નહોતો અને તેણે હેલ્મેટ પણ પહેરી નહોતી.
જોકે ટ્રિબ્યુનલે નિરીક્ષણ કર્યું હતું કે વીમા કંપનીએ કોઈ પણ સાક્ષીદારને તપાસ્યા નહીં કે દાવાને લગતા પુરાવા રજૂ કર્યા નથી. પિટિશન કરનારી મૃતકની પત્ની, સગીર પુત્ર અને વાલીઓએ દાવો કર્યો હતો કે ગુપ્તા તેના ફર્નિચરના વ્યવસાયમાંથી મહિને 35 હજાર રૂપિયાની કમાણી કરતો હતો. જોકે આ અંગેના દસ્તાવેજી પુરાવા અથવા બૅન્ક સ્ટેટમેન્ટ ન હોવાથી ટ્રિબ્યુનલે તેની આવક મહિને 18 હજાર રૂપિયા નિશ્ર્ચિત કરી હતી. (પીટીઆઈ)