મુંબઈ: થલાપતિ વિજયની બહુચર્ચિત ફિલ્મ "જન નાયકન" હાલમાં સેન્સર બોર્ડ (CBFC) અને કાનૂની વિવાદોમાં ફસાઈ છે. 9 જાન્યુઆરી, 2026ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હજુ સુધી તેને થિયેટરમાં લોન્ચ થઈ શકી નથી. કારણ કે આ મામલો હવે મદ્રાસ હાઈકોર્ટમાં પહોંચ્યો છે અને હાઈકોર્ટે તેને લીલી ઝંડી આપી નથી. જોકે, "જન નાયકન" ફિલ્મ એ કઈ પહેલી ફિલ્મ નથી જેની રિલીઝ કાનૂની ગૂંચવણોને કારણે અટકી પડી છે. એવી પાંચ ફિલ્મો છે, જે કાનૂની ગૂંચવણો અને સામાજિક દબાણને લઈને તેની નક્કી કરેલી ડેટ પર રિલીઝ થઈ શકી ન હતી.
કઈ ફિલ્મ સમયસર રિલીઝ ન થઈ શકી?
અનુરાગ કશ્યપે 1993ના મુંબઈ બોમ્બ વિસ્ફોટ પર આધારિત 'બ્લેક ફ્રાઈડે' ફિલ્મ બનાવી હતી. 2004માં આ ફિલ્મ લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલમાં બતાવવામાં આવી હતી. જોકે, વિસ્ફોટોના કેસની ટ્રાયલ ચાલી રહી હોવાથી સેન્સર બોર્ડે આ ફિલ્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. કાનૂની લડાઈ એટલી લાંબી ચાલી કે ફિલ્મને થિયેટરમાં રિલીઝ થતા સાત વર્ષ જેટલો સમય લાગ્યો હતો. આખરે આ ફિલ્મ 9 ફેબ્રુઆરી 2007ના રોજ રિલીઝ થઈ હતી. ચિત્રકાર રાજા રવિવર્માના જીવન પર આધારિત કેતન મહેતાની ફિલ્મ 'રંગ રસિયા'ને પણ કેટલાક ન્યુડિટી દર્શાવતા દૃશ્યોને કારણે સેન્સર બોર્ડે અટકાવી રાખી હતી. 2008માં લંડન ફિલ્મ ફેસ્ટિવલમાં દર્શાવાયેલી આ ફિલ્મ ભારતમાં છેક 7 નવેમ્બર 2014ના રોજ રિલીઝ થઈ હતી.

2016માં પંજાબમાં ડ્રગ્સની સમસ્યા પર આધારિત ફિલ્મ 'ઉડતા પંજાબ' અને CBFC વચ્ચે સીધી જંગ જામી હતી. આ ફિલ્મમાં સેન્સર બોર્ડે 89 કટની માંગ કરી હતી. આખરે મામલો બોમ્બે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. બોમ્બે હાઈકોર્ટે બોર્ડને માત્ર એક જ કટ સાથે ફિલ્મને રિલીઝ કરવાનો આદેશ આપ્યો હતો. જોકે, આ લડાઈને કારણે રિલીઝમાં ઘણો વિલંબ થયો હતો.
વિવાદોમાં ફસાયેલી ભારતીય ફિલ્મોમાં સંજય લીલા ભણસાલીની ઘણી ફિલ્મોનો સમાવેશ થાય છે. જેમાં 2018માં આવેલી સંજય લીલા ભણસાલીની પીરિયડ ડ્રામા ફિલ્મ 'પદ્માવત' સૌથી વધુ વિવાદિત રહી હતી. કરણી સેનાના હિંસક વિરોધ, રાજકીય અરજીઓ અને સેન્સર બોર્ડના આદેશોને કારણે ફિલ્મનું નામ 'પદ્માવતી' થી બદલીને 'પદ્માવત' કરવું પડ્યું હતું. આ કાનૂની અને સામાજિક દબાણને કારણે ફિલ્મની રિલીઝ તારીખ અનેકવાર પાછળ ઠેલવી પડી હતી.
ઉપરોક્ત ફિલ્મો સિવાય ગયા વર્ષે રિલીઝ થયેલી બે ફિલ્મોના રિલીઝ થવામાં પણ ઘણી અડચણો આવી હતી. કંગના રનૌતની ફિલ્મ "ઇમર્જન્સી" રાજકીય વિષયવસ્તુને કારણે લાંબા સમય સુધી અટવાયેલી રહી હતી. આ ફિલ્મ 2023માં રિલીઝ થવાની હતી, પરંતુ વારંવાર સેન્સર સર્ટિફિકેટ અને શીખ સમુદાયના વાંધાઓને કારણે તે આખરે 2025માં મુશ્કેલીથી રિલીઝ થઈ શકી હતી. ત્યારબાદ વિવેક અગ્નિહોત્રીની 'ધ બેંગાલ ફાઇલ્સ' ફિલ્મમાં 1946ના રમખાણોના પાત્ર ગોપાલ પાઠાના ચિત્રણને લઈને વિવાદ થયો હતો. પાઠાના પૌત્રએ ફિલ્મમેકર્સ સામે કાનૂની ફરિયાજ નોંધાવી હતી. પશ્ચિમ બંગાળમાં આ ફિલ્મને બિનસત્તાવાર રીતે પ્રતિબંધિત કરવામાં આવી હતી, જેના કારણે તેની રિલીઝ પ્રક્રિયા જટિલ બની હતી.