મુંબઈ: પ્રખ્યાત સંગીતકાર એઆર રહેમાન અત્યારે સોશિયલ મીડિયા પર ભારે ચર્ચામાં છે. તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે બોલીવુડની કાર્યપદ્ધતિ અને માનસિકતા પર સવાલો ઉઠાવતા કહ્યું હતું કે, ઇન્ડસ્ટ્રીમાં 'પાવર શિફ્ટ' અને 'સાંપ્રદાયિક વિચારધારા'ને કારણે તેમને કામ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. રહેમાનના આ નિવેદન બાદ નેટીઝન્સ બે ભાગમાં વહેંચાઈ ગયા છે અને એક વર્ગ તેમને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરી રહ્યો છે. જોકે, પિતા વિરુદ્ધ ચાલી રહેલા આ નકારાત્મક અભિયાન સામે હવે તેમના સંતાનો મેદાનમાં આવ્યા છે.
રહેમાનના પુત્ર અમીને પિતાની ટીકા કરનારાઓને જડબાતોડ જવાબ આપવા માટે ઇન્સ્ટાગ્રામ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો એક જૂનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં PM મોદી એઆર રહેમાનના સંગીતને દેશનું ગૌરવ અને ભારતીય સંસ્કૃતિનો અવાજ ગણાવી રહ્યા છે. અમીને પિતાને રાષ્ટ્રીય પુરસ્કાર મળતા હોય અને ક્રિકેટ સ્ટેડિયમમાં હજારોની ભીડ તેમનું અભિવાદન કરતા હોય તેવા ફોટો શેર કરીને એ સાબિત કરવાનો પ્રયાસ કર્યો છે કે રહેમાનની ઓળખ તેમના કામથી છે, કોઈના નકારાત્મક મંતવ્યોથી નહીં.
માત્ર પુત્ર જ નહીં, પરંતુ રહેમાનની બંને પુત્રીઓ ખતીજા અને રહીમા પણ પિતાના સમર્થનમાં ઉભી રહી છે. મોટી પુત્રી ખતીજાએ સમર્થનમાં પોસ્ટ શેર કરી છે, જ્યારે રહીમાએ એક ગંભીર નોંધ દ્વારા લોકોની માનસિકતા પર પ્રહાર કર્યા છે. રહીમાએ લખ્યું કે, "લોકો પાસે ભગવદ્ ગીતા, કુરાન કે બાઈબલ વાંચવાનો સમય નથી જે શાંતિ અને પ્રેમ શીખવે છે, પરંતુ બીજાની ટીકા કરવા, ગાળો આપવા અને અપમાન કરવા માટે પુરતો સમય છે." તેણે ટ્રોલ્સને સાંપ્રદાયિક ધોરણે ચર્ચાઓ બંધ કરી શિસ્ત જાળવવા અપીલ કરી છે.
સોશિયલ મીડિયા પરના આ હોબાળા વચ્ચે અમીને એઆર રહેમાનની આંતરરાષ્ટ્રીય સિદ્ધિઓ પણ યાદ કરાવી છે. તેમણે કોલ્ડપ્લેના ફેમસ સિંગર ક્રિસ માર્ટિન સાથે પિતાના પરફોર્મન્સના વીડિયો શેર કર્યા છે. પિતાને ઓસ્કાર અપાવનાર ગીત 'જય હો' અને તેની વૈશ્વિક અસરોનો ઉલ્લેખ કરીને પરિવારે સ્પષ્ટ કર્યું છે કે એઆર રહેમાનનું સંગીત સીમાઓથી પર છે. સંગીત જગતના આ દિગ્ગજ કલાકારના પરિવારની આ એકતા અત્યારે ઇન્ટરનેટ પર ભારે પ્રશંસા પામી રહી છે.