અમદાવાદ/જોધપુર: રાજસ્થાનના જોધપુરમાં આજે એક અત્યંત હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો છે, જેમાં ગુજરાતના યાત્રિકોની બસ અને ટ્રક સામસામે અથડાતા મોટો હોનારત સર્જાઈ છે. જોધપુર-જેસલમેર નેશનલ હાઈ-વે 125 પર થયેલા આ અકસ્માતમાં ચાર નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સાંજના સમયે બનેલી આ ઘટનાને પગલે હાઈવે પર ચીસાચીસ મચી ગઈ હતી અને સ્થાનિક તંત્ર તાત્કાલિક બચાવ કામગીરીમાં જોતરાયું હતું.
મળતી માહિતી મુજબ, બસમાં સવાર તમામ મુસાફરો ગુજરાતના અરવલ્લી જિલ્લાના રમાણા રૂપણ ગામના રહેવાસી હતા. આ શ્રદ્ધાળુઓ જેસલમેર સ્થિત રામદેવરામાં બાબા રામદેવના દર્શન કરીને હર્ષોલ્લાસ સાથે પોતાના વતન પરત ફરી રહ્યા હતા. જોકે, કેરુ ગામ પાસે મુલાનાડા રોયલ્ટી નાકા નજીક કાળમુખી ટ્રકે બસને અડફેટે લેતા ખુશીનો માહોલ શોકમાં ફેરવાઈ ગયો હતો. આ અકસ્માત લગભગ સાંજે 4:30 કલાકે બન્યો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બસનો એક બાજુનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો.
ઘટનાની જાણ થતા જ શાસ્ત્રી નગર પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર અકસ્માત સમયે બસમાં કુલ 20 લોકો સવાર હતા, જેમાંથી 4 લોકોના ઘટનાસ્થળે જ અથવા સારવાર દરમિયાન મોત નીપજ્યા છે. અન્ય 16 મુસાફરોને નાની-મોટી ઈજાઓ પહોંચી છે, જેમને તાત્કાલિક જોધપુરની મથુરાદાસ માથુર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં હોસ્પિટલમાં ડૉક્ટરોની ટીમ ઈજાગ્રસ્તોની સઘન સારવાર કરી રહી છે.
અરના ધોધ પાસે થયેલા આ ગમખ્વાર અકસ્માત બાદ હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી, જેને પોલીસે પૂર્વવત્ કરી હતી. હાલ મૃતકોના પરિવારજનોને જાણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અકસ્માત પાછળ ટ્રક ચાલકની બેદરકારી હતી કે અન્ય કોઈ કારણ, તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. અરવલ્લીના રમાણા રૂપણ ગામમાં આ સમાચાર પહોંચતા જ આખું ગામ હિબકે ચડ્યું છે અને પંથકમાં ભારે ગમગીની છવાઈ ગઈ છે.