મુંબઈ: મુંબઈ મેયર પદ અંગે ચાલી રહેલા વિવાદ વચ્ચે શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉતે મંગળવારે એવો દાવો કર્યો હતો કે ભાજપ અને શિવસેનાના નવા ચૂંટાયેલા સભ્યોના ફોન શાસક પક્ષ દ્વારા ટેપ કરવામાં આવી રહ્યા છે, જેઓ એક વૈભવી હોટલમાં ‘બંધ’ છે.
તેમણે કહ્યું કે ભાજપના કોર્પોરેટરો પર તે પક્ષના કાર્યકરો દ્વારા દેખરેખ રાખવામાં આવી રહી છે. ભાજપે રાઉતના આરોપોને ફગાવી દીધા હતા અને ભારપૂર્વક જણાવ્યું કે પાર્ટી તેના કોર્પોરેટરો પર વિશ્ર્વાસ કરતી હોવાથી આવી પ્રવૃત્તિઓનો આશરો લેતી નથી.
રાઉતે દાવો કર્યો કે મુંબઈના મેયર દિલ્હી દ્વારા નક્કી કરવામાં આવી રહ્યા છે, જે મહારાષ્ટ્રનું અપમાન છે, તેમણે નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળની શિવસેનાની ટીકા કરી.
‘ભાજપના કાર્યકરો પાર્ટીના દરેક કોર્પોરેટરની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે. ભાજપ પોતાના કોર્પોરેટરોના ફોન પણ ટેપ કરી રહ્યું છે,’ શિવસેના (યુબીટી) ના સાંસદે પત્રકારોને જણાવ્યું.
તેમણે ઉમેર્યું કે, એક વૈભવી હોટલમાં ‘બંધ’ રહેલા શિવસેનાના કોર્પોરેટરોના ફોન પણ ટેપ કરવામાં આવી રહ્યા છે.
મુંબઈના મેયર માટેની સ્પર્ધા ગરમાઈ રહી છે અને શાસક શિવસેનાના વલણ અંગે સસ્પેન્સ વધુ ઘેરું બન્યું છે, ત્યારે રાઉતે મંગળવારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેને મળ્યા હતા.
મહારાષ્ટ્ર ભાજપના મીડિયા ઇન્ચાર્જ નવનાથ બને સંજય રાઉતના આરોપોને ફગાવી દેતાં કહ્યું હતું કે, ‘અમને ફોન ટેપિંગની જરૂર નથી, પરંતુ રાઉતે સ્પષ્ટ કરવું જોઈએ કે જ્યારે મહા વિકાસ આઘાડી (ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ હેઠળ) સત્તામાં હતી ત્યારે એકનાથ શિંદે અને ઉદય સામંતના ફોન કોણ ટેપ કરી રહ્યું હતું. અમને કોર્પોરેટરોનો મજબૂત ટેકો છે, અને અમે આવી પ્રવૃત્તિઓમાં રોકાયેલા નથી.’