મુંબઈ: મુંબઈ અને નવી મુંબઈને જોડતા અટલ સેતુને કારણે મહાનગરમાં પ્રવાસ ખૂબ જ સરળ બન્યો છે. હવે, સિડકો દ્વારા આ સેતુને કોસ્ટલ રોડ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ સાથે સીધો જોડવાનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયને કારણે ઉરણ, પનવેલ, જવાહરલાલ નેહરુ પોર્ટ ઓથોરિટી, નવી મુંબઈ એરપોર્ટ અને મુંબઈ વચ્ચેની હેરફેર વધુ ઝડપી અને સરળ બનશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત ઉરણ તાલુકાના ગવ્હાણ ગામ પાસે આવેલા શિવાજીનગર ઇન્ટરચેન્જ ખાતે છ રેમ્પ બનાવવામાં આવશે. જ્યારે અટલ સેતુનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે કોસ્ટલ રોડનું કામ શરૂ ન હોવાને કારણે આ જોડાણ શક્ય નહોતું. જોકે, હવે સિડકોએ કોસ્ટલ રોડના કામને વેગ આપ્યો હોવાથી, શિવાજીનગર કનેક્ટર દ્વારા જરૂરી જોડાણ પૂર્ણ કરવાનો માર્ગ મોકળો થયો છે.
આ છ રેમ્પના નિર્માણ માટે કોસ્ટલ રેગ્યુલેશન ઝોન સત્તાધિકારીએ અમુક શરતો સાથે મંજૂરી આપી દીધી છે અને હવે આ પ્રસ્તાવ આગળની મંજૂરી માટે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય પાસે મોકલવામાં આવ્યો છે. મંત્રાલય તરફથી મંજૂરી મળ્યા બાદ પ્રત્યક્ષ કામગીરી શરૂ કરવામાં આવશે.
આ પ્રોજેક્ટને કારણે માત્ર રોડ ટ્રાન્સપોર્ટ જ નહીં, પરંતુ રેલ્વે કનેક્ટિવિટી પણ મજબૂત બનશે. આ વિસ્તાર ન્હાવા રોડ અને ઉરણ રોડ દ્વારા પહેલેથી જ જોડાયેલો છે, હવે આ નવા રેમ્પને કારણે ખારકોપર રેલ્વે સ્ટેશનની કનેક્ટિવિટી વધુ અસરકારક બનશે. પરિણામે, જેએનપીટી, ચિરલે, મુંબઈ અને નવી મુંબઈ એરપોર્ટ વચ્ચે કનેક્ટિવિટીમાં મોટો સુધારો થશે.
આ પ્રોજેક્ટમાં લગભગ ૯૩૬ મેન્ગ્રોવ વૃક્ષો પ્રભાવિત થશે, તેમ છતાં પર્યાવરણીય અસર મૂલ્યાંકન રિપોર્ટ મુજબ નુકસાન ઘટાડવા માટે જરૂરી નિવારક પગલાં લેવામાં આવશે. આ પ્રોજેક્ટ લગભગ ૩.૫ હેક્ટર વિસ્તારમાં અમલમાં મૂકવામાં આવશે અને તેમાં ૩૨ માળખાકીય મોડ્યુલો હશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા પછી, રાયગઢ જિલ્લાના નાગરિકો માટે મુંબઈ અને નવી મુંબઈની મુસાફરી સરળ, ઝડપી અને સલામત બનશે, અને સમગ્ર મુંબઈ મહાનગર ક્ષેત્રની પરિવહન વ્યવસ્થાને એક નવી દિશા મળશે.