Tue Jan 20 2026

Logo

White Logo

તારદેવ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને જોડનારા : બેલાસિસ ફ્લાયઓવરનુંં ડેડલાઈન પહેલા જ કામ પૂરું...

1 hour ago
Author: sapna desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી) 
મુંબઈ
:  મુંબઈના ઘણા ફ્લાયઓવરના કામ તેની ડેડલાઈનને ચૂકી ગયા છે પણ તારદેવ અને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશનને જોડનારા બેલાસિસ ફ્લાયઓવરનું  છેવટના તબક્કાનુંં કામ વિક્રમી સમયમાં એટલે કે માત્ર ૧૫ મહિના છ દિવસમાં પૂર્ણ કરવામાં આવ્યું છે. કૉન્ટ્રેક્ટના શરત મુજબ ફ્લાયઓવરનું કામ પૂરું કરવા માટે હજી ચાર મહિનાનો સમય બાકી છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ રેલવે વિભાગ તરફથી એનઓસી મળ્યા પછી ટ્રાફિક પોલીસ સાથે સંકલન કર્યા બાદ આ ફ્લાયઓવર વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવવાનો છે.

લગભગ સવાસો વર્ષ જૂનો એટલે ૧૮૯૩માં બનેલો જૂનો બેલાસિસ બ્રિજ સ્ટ્રક્ચરલ ઓડિટમાં જોખમી જણાઈ આવતા તેને જૂન ૨૦૨૪માં તોડી પાડવામાં આવ્યો હતો. નાગપાડા અને તારદેવ વચ્ચે જોડાણ વધારવા માટે પાલિકાએ આ બ્રિજ પહોળો અને મોટો બનાવ્યો છે. આ  પુલ ૩૩૩ મીટર લાંબો, ૧૩૮.૩૯ મીટર પૂર્વમાં અને ૧૫૭.૩૯ મીટર પશ્ર્ચિમમાં અને ૩૬.૯૦ મીટર રેલવેની ઉપર અને સાત મીટરનો કેરેજ વે (ટ્રાફિક માટેનો રોડ) સહિત રાહદારીઓ માટે બંને બાજુ પહોળી ફૂટપાથ છે.

પાલિકાના એડિશનલ કમિશનર અભિજિત બાંગરના જણાવ્યા મુજબ પુલનું બાંધકામ પડકારજનક રહ્યું હતું, જેમાં ૧૩ માળખા દૂર કરવાથી લઈને અસરગ્રસ્ત રહેવાસીઓ માટે વૈકલ્પિક આવકોની ફાળવણી અને હાઈકોર્ટ સમક્ષ ચાલી રહેલા કેસ જેવા અનેક અવરોધ આવ્યા હતા. આ પ્રોજેક્ટમાં પુલને કારણે નજીકની હાઉસિંગ સોસાયટીની બાઉન્ડ્રી વોલ દૂર કરવામાં પણ અડચણો રહી હતી. અનેક પડકારો વચ્ચે એન્જિનિયરિંગ ટીમે ચાર મહિના ચોમાસાના હતા, તેમાં પણ કામ ચાલુ જ રાખ્યું, ઝીણવટભર્યું આયોજનને કારણે સમયની પહેલા કામ પૂરું કરવામાં સફળતા  મળી છે.

આ બ્રિજનું કામ પહેલી ઓક્ટોબર, ૨૦૨૪ના શરૂ થયું હતું અને રેલવે ટ્રેક પરનું કામ રેલવે દ્વારા કરવામાં આવ્યુંં હતું. જ્યારે ગર્ડર બ્રેકિંગ, ડેકશીટ ઈન્સ્ટોલેશન, સ્લેબ કાસ્ટિંગ અને બંને તરફના અપ્રોચ રોડનું કામ પાલિકાએ કર્યું હતું. પાલિકાના બ્રિજ ડિપાર્ટમેન્ટ, સંબંધિત વોર્ડ ઓફિસ, ટ્રાફિક પોલીસ વચ્ચેના સંકલન, વ્યવસ્થિત આયોજન અને ૨૪ કલાકના પ્રયાસને કારણે ફ્લાયઓવરનું કામ તેની ડેડલાઈન પહેલા પૂરું થયું છે.

જહાંગીર બોમન બહેરામ માર્ગ (અગાઉ બેલાસીસ રોડ) પરનો બેલાસીસ પુલ મુંબઈ સેન્ટ્રલ, નાગપાડા અને તારદેવને જોડતો એક મહત્ત્વનો પુલ છે. તેના પુન: નિર્માણને કારણે જહાંગારી બોમન બહેરામ માર્ગ, દાદાસાહેબ ભડકમકર માર્ગ (ગ્રાન્ટ રોડ), પટ્ટે બાપુરાવ માર્ગ અને મહાલક્ષ્મી સ્ટેશન પુલ પરનો ટ્રાફિક ઓછો કરશે.