Tue Jan 20 2026

Logo

White Logo

અમદાવાદમાં હવાની ગુણવત્તા ખતરનાક સ્તરે પહોંચી, : સરેરાશ AQI 293 નોંધાયો...

1 hour ago
Author: Chandrakant Kanoja
Video

અમદાવાદ: અમદાવાદ શહેરમાં વાયુ પ્રદુષણ વધી રહ્યું છે. તેમજ શહેરમાં પ્રદૂષણનું સ્તર અત્યંત ખતરનાક સપાટીએ પહોંચી ગયું છે. 20 જાન્યુઆરીએ શહેરનો સરેરાશ AQI 293 નોંધાયો હતો, જે 'ખરાબ' શ્રેણીમાં આવે છે. શહેરના અનેક વિસ્તારોમાં આ આંકડો 300ને પાર કરી જતાં નાગરિકોના સ્વાસ્થ્ય પર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. અમદાવાદમાં સૌથી ખરાબ સ્થિતિ શાંતિગ્રામ વિસ્તારની છે, જ્યાં AQI 363 પર પહોંચી ગયો છે. આ સિવાય પશ્ચિમ અમદાવાદના પોશ ગણાતા વિસ્તારોમાં પણ હવાની ગુણવત્તા અત્યંત નબળી જોવા મળી છે.

અમદાવાદ શહેરના મુખ્ય વિસ્તારોમાં ફેલાયેલા પ્રદૂષણ સ્તર પર એક નજર કરીએ તો થલતેજ: 339, સાઉથ બોપલ: 317, બોડકદેવ: 315, શાહીબાગ: 309,ઘાટલોડિયા: 304, અહેસાન પાર્ક & જય અંબે નગર: 303, સોનીની ચાલી ઓઢવ અને ઉસ્માનપુરામાં 302 જેટલો AQI નોંધાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે, જ્યારે AQI 300થી ઉપર જાય છે, ત્યારે તે તંદુરસ્ત વ્યક્તિઓ માટે પણ શ્વાસ લેવામાં તકલીફ ઊભી કરી શકે છે. બાળકો, વૃદ્ધો અને અસ્થમાના દર્દીઓ માટે આ હવા 'ઝેર' સમાન સાબિત થઈ શકે છે. સવારના સમયે જોવા મળતા ધુમ્મસમાં પ્રદૂષિત કણો ભળવાથી 'સ્મોગ' જેવી સ્થિતિ સર્જાઈ છે, જેના કારણે વિઝિબિલિટી પણ ઘટી છે.

અમદાવાદની આ ગંભીર સ્થિતિ તંત્ર અને જનતા બંને માટે લાલબત્તી સમાન છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં હોસ્પિટલોમાં શ્વાસના દર્દીઓની સંખ્યામાં મોટો ઉછાળો આવી શકે છે.