મુંબઈ: બોમ્બે હાઇકોર્ટે મહારાષ્ટ્રના તમામ નાગરિક અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે જ્યાં સુધી વિકાસકર્તાઓ બાંધકામ પરવાનગીઓનું સંપૂર્ણ પાલન ન કરે અને યોગ્ય સ્યુએજ વ્યવસ્થાપન સુનિશ્ર્ચિત ન કરે ત્યાં સુધી કોઈપણ માળખાને ઓક્યુપેશન સર્ટિફિકેટ (ઓસી) જારી ન કરે.
ન્યાયાધીશ રવિન્દ્ર ઘુગે અને અભય મંત્રીની બેન્ચે ઉલ્હાસ નદીમાં સ્યુએજ ઠાલવવાથી થતી સમસ્યાની તીવ્રતા પર ધ્યાન આપ્યું કારણ કે થાણે જિલ્લામાં 438 કથિત અનધિકૃત બાંધકામો પર કોઈ યોગ્ય એસટીપી (સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ) બનાવવામાં આવ્યા ન હતા.
કોર્ટ બદલાપુરના રહેવાસી દ્વારા ડેવલપર દ્વારા ગેરકાયદેસર બાંધકામો અંગે ચિંતા વ્યક્ત કરતી અરજી પર સુનાવણી કરી રહી હતી. કોર્ટે કહ્યું કે મ્યુનિસિપલ કાઉન્સિલે ઉલ્હાસ નદીમાં સ્યુએજનું પમ્પિંગ ઓછું થાય અને આખરે બંધ થાય તે માટે પગલાં શરૂ કરવા પડશે.
સમસ્યાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, હાઈકોર્ટે મહારાષ્ટ્રના તમામ સત્તાવાળાઓને જ્યાં સુધી કોઈ માળખું મંજૂર યોજનાઓ, બાંધકામ પરવાનગીઓ અને સૌથી અગત્યનું, જ્યાં સુધી બહુમાળી ઇમારતો માટે એસટીપી બનાવવામાં ન આવે ત્યાં સુધી ઓસી ન આપવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ રાજ્યની બધી નાગરિક સંસ્થાઓ, મ્યુનિસિપલ કાઉન્સિલો અને સ્થાનિક સત્તાવાળાઓને લાગુ પડે છે.
કોર્ટે અધિકારીઓને એવી બધી ઇમારતોનો સ્ટોક લેવા માટે ઝુંબેશ શરૂ કરવાનો પણ આદેશ આપ્યો જ્યાં બિલ્ડર દ્વારા એસટીપી પૂરું પાડવામાં આવ્યું ન હોય, જ્યાં સુધી સ્યૂએજ પાઇપલાઇન પાલિકા દ્વારા પૂરી પાડવામાં આવેલી ભૂગર્ભ ડ્રેનેજ સિસ્ટમ સાથે જોડાયેલ ન હોય.
કોર્ટે આ મામલાની વધુ સુનાવણી 28 જાન્યુઆરીના રોજ મુલતવી રાખી છે.