ફિટનેસ સર્ટિફિકેટ અને NOC પણ નહીં મળે....
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે ઇલેક્ટ્રોનિક ટોલ વસૂલાતને વધુ સચોટ અને પારદર્શક બનાવવા માટે "સેન્ટ્રલ મોટર વ્હીકલ્સ (બીજો સુધારો) નિયમો, 2026" જાહેર કર્યા છે. હાઈવે પર મુસાફરી કરતા વાહન ચાલકો માટે આ સુધારામાં અત્યંત મહત્વપૂર્ણ અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમો કેવા વાહનચાલકોને અસર કરશે, આવો જાણીએ.
RTO નહીં આપે ઘણા સર્ટિફિકેટ
કેન્દ્ર સરકારે ટોલ ટેક્સની ચોરી અટકાવવા તથા હાઈવે પરના વ્યવહારને વધુ સરળ બનાવવાના હેતુથી નવા નિયમોમાં મહત્ત્વપૂર્ણ સુધારા કર્યા છે. નવા નિયમોની મુખ્ય જોગવાઈ મુજબ હવેથી ટોલ ટેક્સની ચુકવણીને વાહનની આરટીઓ સેવાઓ સાથે સીધી રીતે લિંક કરી દેવામાં આવી છે. જો તમારા વાહનનો ટોલ બાકી હશે, તો વાહનના માલિકને પોતાના વાહન માટે નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) મેળવી શકશે નહીં. વાહનનું ફિટનેસ પ્રમાણપત્ર રિન્યૂ કરવામાં અવરોધ આવશે.
નવા નિયમ મુજબ હવે વાહન માલિકે ફોર્મ 28 ભરતી વખતે સ્વયં જાહેર કરવું પડશે કે તેમના વાહન પર કોઈ ટોલ બાકી નથી. નિયમો કડક કરવાની સાથે સરકારે જનતાની સુવિધા માટે ફોર્મ 28 ના કેટલાક વિભાગો ઓનલાઈન પોર્ટલ દ્વારા ઇલેક્ટ્રોનિક રીતે જારી કરવાની મંજૂરી આપી છે. આનાથી આરટીઓ કચેરીના ધક્કા ઘટશે અને પ્રક્રિયા ઝડપી બનશે. સરકારના આ પગલાથી માત્ર આવકમાં જ વધારો નહીં થાય, પરંતુ હાઈવે પર લાગતા ટ્રાફિક જામની સમસ્યામાં પણ મોટો ઘટાડો થશે. વાહન માલિકોએ હવે હાઈવે પરથી પસાર થતી વખતે તેમના ફાસ્ટેગ (FASTag) અથવા ટોલ એકાઉન્ટમાં પૂરતું બેલેન્સ રાખવું અનિવાર્ય બનશે.
સરકારે કેમ લીધો આ નિર્ણય?
સરકાર ટૂંક સમયમાં દેશના હાઈવે પરથી ભૌતિક ટોલ નાકા (Barriers) હટાવીને "મલ્ટિ-લેન ફ્રી ફ્લો" સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આ સિસ્ટમમાં વાહનોએ ટોલ ભરવા માટે ઉભા રહેવું પડશે નહીં, પરંતુ કેમેરા અને સેન્સર દ્વારા આપમેળે ટોલ કપાઈ જશે. આવી સ્થિતિમાં કોઈ વાહન ચાલક ટોલ ભર્યા વગર છટકી ન જાય તે માટે આ કડક કાયદો બનાવવામાં આવ્યો છે.