Tue Jan 20 2026

Logo

White Logo

મુંબઈ મહાનગર પાલિકા ચૂંટણી: : ભાજપનો મહાવિજય, છતાંય...

1 day ago
Author: Mumbaisamachar Team
Video

મહારાષ્ટ્રમાં 29 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ છવાઈ ગયો. ભાજપના દાવા પ્રમાણે, 29 મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી 25 મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપની સત્તા આવશે અને તેમનો મેયર હશે. મતલબ કે, 85 ટકાથી વધારે મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપે કબજો કર્યો છે. આ જીત ખરેખર મોટી કહેવાય ને તેમાં આઈસિંગ ઓન કેક બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની જીત છે.

આ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એટલે કે મુંબઈ પર ત્રણ દાયકાથી શિવસેનાનું એકચક્રી શાસન હતું. ભાજપ શિવસેનાને પછાડીને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) પર કબજો કરવામાં સફળ રહ્યો છે.

હા, એ ખરું કે આ ચૂંટણીમાં ભાજપ, એકનાથ શિંદેની શિવસેના અને રામદાસ આઠવલેની રિપબ્લિકન પાર્ટી સાથે મળીને લડ્યાં હતાં અને 227 બેઠકોમાંથી 118 બેઠકો જીતીને સત્તા કબજે કરી છે. સાદી બહુમતી માટે જરૂરી 114 બેઠકો કરતાં ભાજપની મહાયુતિ પાસે 4 કોર્પોરેટર વધારે છે તેથી મહાયુતિનો મેયર બનશે એ નક્કી છે. મહાયુતિની 118 બેઠકોમાંથી ભાજપે 89 અને શિંદેની શિવસેનાએ 29 બેઠકો જીતી છે તેથી મેયર ભાજપનો હશે એ પણ નક્કી છે.

આ ચૂંટણીમાં જીત પછી ભાજપના નેતાઓ જબરદસ્ત ફોર્મમાં છે અને મીડિયા પણ ભાજપ પર ઓળઘોળ છે. ભાજપે ઠાકરે પરિવારના એકહથ્થુ શાસનને પછાડીને ભવ્ય જીત મેળવી હોવાના દાવા કરાઈ રહ્યા છે. આ જનાદેશ દ્વારા મુંબઈની જનતાએ ઠાકરે પરિવારના પરિવારવાદને જાકારો આપ્યો હોવાના દાવા પણ કર્યા છે.

આ પરિણામોથી મુંબઈ પરની ઠાકરે પરિવારની બાદશાહતનો અંત આવી ગયો અને હવે ભાજપ મુંબઈનો નવો બોસ છે એવા દાવા પણ કરાય છે, પણ આવા દાવા બરાબર નથી, બલકે અતિશયોક્તિભર્યા છે. ઉદ્ધવ ઠાકરેની શિવસેના બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી જીતી ના શકી અને સત્તા ના જાળવી શકી એ વાત સાચી છે, પણ તેનું સાવ ધોવાણ થઈ ગયું એ વાતમાં દમ નથી. ભાજપની જીત ભવ્ય છે તેનો ઈન્કાર ના થઈ શકે પણ ઠાકરે પરિવાર સાવ ધોવાઈ ગયો એ વાત ખોટી છે. ભાજપ 135 વોર્ડમાં લડીને 89 વોર્ડમાં જીત્યો છે. ભાજપની જીતની ટકાવારી 66 ટકાની આસપાસ છે તેથી તેની જીત જોરદાર કહેવાય, પણ ભાજપના સાથી શિંદેનો દેખાવ એવો જબરદસ્ત નથી. ભાજપના જોરદાર દેખાવમાં શિંદેની શિવસેનાની નબળાઈ ઢંકાઈ ગઈ છે અને શિંદે ઉદ્ધવ સામે વામણા સાબિત થયા છે એ હકીકત હોવા છતાં એ પણ ઢંકાઈ ગયું છે...

બીજી તરફ, ભાજપ-શિંદેને રોકવા માટે ઉદ્ધવ ઠાકરેએ  પિતરાઈ રાજ ઠાકરે સાથે જોડાણ કરેલું અને શરદ પવારની એનસીપી પણ તેમની સાથે હતી. આ ત્રણ પક્ષોનું જોડાણ ભલે સત્તા ના મેળવી શક્યું પણ તેનો દેખાવ સાવ શરમજનક નથી જ. તેમાં પણ ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ તો 65 બેઠકો જીતીને નોંધપાત્ર દેખાવ કર્યો છે. એકનાથ શિંદેની શિવસેના પોતાને બાળાસાહેબ ઠાકરેની શિવસેના અને સાચી શિવસેના ગણાવે છે,પણ મુંબઈની જનતાએ શિંદેની શિવસેનાને સાચી શિવસેના તરીકે નથી સ્વીકારી. શિંદેની શિવસેના 89 વોર્ડમાં લડી હતી અને તેમાંથી 29 વોર્ડમાં જીતી છે. મતલબ કે, 32 ટકા બેઠકો જીતી છે. એની સામે ઉદ્ધવની શિવસેના 160માંથી 65 બેઠકો એટલે કે 41 ટકા બેઠકો જીતી છે.

ઉદ્ધવની શિવસેના ફરી બીએમસી પર કબજો ના કરી શકી તેનું કારણ તેના સાથીઓનો ખરાબ દેખાવ અને કૉંગ્રેસે તોડેલા મતો છે. ઉદ્ધવે રાજ ઠાકરે સાથે હાથ મિલાવીને બહુ મોટી વ્યૂહાત્મક ભૂલ કરી હોય એવું ચિત્ર ઉપસી રહ્યું છે. રાજ ઠાકરેના બદલે ઉદ્ધવે જો કૉંગ્રેસ સાથે હાથ મિલાવ્યા હોત ને બંને અડધી અડધી બેઠકો પર લડ્યાં હોત તો કદાચ પરિણામ ઉદ્ધવ અને કૉંગ્રેસની તરફેણમાં હોત અને કદાચ બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન પર ફરી ઉદ્ધવની શિવસેનાનો કબજો હોત.

ઉદ્ધવના સાથીઓમાં શરદ પવારની પાર્ટીનો મુંબઈમાં કોઈ પ્રભાવ નથી તેથી પવારની પાર્ટી પાસેથી કોઈ અપેક્ષા નહોતી, પણ રાજ ઠાકરે સાથે હાથ મિલાવવાથી મરાઠા મતોમાં ભંગાણ નહીં પડે એવો ઉદ્ધવને ભરોસો હતો એ સાચો ના પડ્યો. આ ‘ભરોસાની ભેંસે પાડો જણ્યો ’ તેમાં ઉદ્ધવના હાથમાંથી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) સરકી ગઈ. શરદ પવારની એનસીપી 11 બેઠકો પર લડેલી ને તેમાંથી ગણીને 1 બેઠક જીતી છે. રાજ ઠાકરેની મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે) 53 બેઠકો પરથી લડી હતી ને ગણીને 6 બેઠકો જીતી છે. આમ મનસેની સફળતાનો દર માંડ 11 ટકા છે, જે શરમજનક કહેવાય. રાજ ઠાકરેની પાર્ટીએ જોર લગાવીને ઉદ્ધવની શિવસેનાની જેમ ચાલીસેક ટકા બેઠકો જીતી હોત તો બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)માં આખું ચિત્ર જ બદલાઈ ગયું હોત. રાજ ઠાકરેની મનસે વીસેક બેઠકો જીતી હોત તો તેમના જોડાણનો આંકડો 85ની આસપાસ હોત ને કૉંગ્રેસે જીતેલી 25 બેઠકો ઉમેરો તો 110ની આસપાસ બેઠકો થઈ ગઈ હોત. ભાજપ-શિંદેની શિવસેનાની પંદરેક બેઠકો ઓછી થઈ ગઈ હોત ને સાદી બહુમતી પણ ના મળી હોત. આ સંજોગોમાં ઉદ્ધવની શિવસેના પાસે કૉંગ્રેસ સાથે મળીને સત્તા કબજે કરવાની તક હોત.

ઉદ્ધવ પહેલેથી કૉંગ્રેસ સાથે જોડાણ કરીને લડ્યા હોત તો પણ કદાચ ચિત્ર અલગ હોત કેમ કે કૉંગ્રેસે 151 બેઠકો પર લડીને 24 બેઠકો જીતી છે. કૉંગ્રેસે ત્રિકોણીય જંગમાં આ દેખાવ કર્યો છે. તેના બદલે એક તરફ ભાજપ-શિંદે ને બીજી તરફ ઉદ્ધવ-કૉંગ્રેસ હોત તો કદાચ પરિણામ અલગ હોત. ખેર, આ બધી વાત તો આપણી ઉક્તિ જેવી છે : ‘ફૈબાને જો મૂછો હોત તો એ કાકો કહેવાય!’

અલબત્ત, રાજકારણમાં જો અને તો નથી ચાલતું ને જો જીતા વો હી સિકંદર ને હારા વો બંદર હોય છે. વ્યૂહાત્મક ભૂલો કરનારા કિંમત ચૂકવતા હોય છે ને ઉદ્ધવ તથા કૉંગ્રેસ બંનેએ કિંમત ચૂકવી છે. ભાજપે અજીત પવાર રાજ્ય સરકારમાં સાથી હોવા છતાં તેમને કોરાણે મૂકીને માત્ર એકનાથ શિંદેને મહત્ત્વ આપ્યું ને એ દાવ તેને ફળ્યો છે. અજીત પવારને શરમાશરમીમાં દસ-પંદર બેઠકો પણ આપી હોત તો ભાજપને સાદી બહુમતીનાં પણ ફાંફાં થઈ ગયાં હોત.

મુંબઈગરા મતદાન માટે આવા ઉદાસીન કેમ...

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ની ચૂંટણી પતી ગઈ, પરિણામ પણ આવી ગયાં પણ એક ગંભીર મુદ્દા તરફ કોઈનું ધ્યાન નથી ગયું. આ ગંભીર મુદ્દો મતદાનની ટકાવારી છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) એશિયાની સૌથી મોટી સ્થાનિક સ્વરાજની સંસ્થા છે. 75 હજાર કરોડનું બજેટ ધરાવતી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)નું બજેટ દુનિયાના ઘણા નાના દેશો કરતાં વધારે છે, પણ વરસોથી એની ચૂંટણીમાં મતદાનની ટકાવારી 50 ટકાની આસપાસ જ રહે છે. મતલબ કે, મુંબઈના લગભગ અડધા મતદારો તો મતદાન જ કરતા નથી.

2017ની ચૂંટણીમાં 55.28 ટકા મતદાન થયેલું. આ વખતે તે ઘટીને 52.94 ટકા થયું. અલબત્ત આ ટકાવારી પણ સારી છે કેમ કે એ પહેલાંની 5 ચૂંટણીમાં તો કદી મતદાનની ટકાવારી 50 ટકાથી ઉપર જ ગઈ નથી. 1992માં 49.14 ટકા, 1997માં 44.36 ટકા, 2002માં 42.05 ટકા, 2007માં 46.05 ટકા અને 2012માં 44.75 ટકા મતદાન થયું હતું. મતદાનની આ ટકાવારી ખરેખર શરમજનક કહેવાય પણ કોઈ રાજકીય પાર્ટી એ વિશે વિચારતી નથી અને મતદાનની ટકાવારી વધારવા પ્રયત્ન કરતી નથી.

મુંબઈ દેશનાં બીજા શહેરોથી અલગ છે તેથી તેના પ્રશ્નો પણ અલગ છે. બીએમસીની ચૂંટણી સામાન્ય લોકોની સમસ્યાઓના બદલે ભાષાવાદ, પ્રદેશવાદ, કોમવાદ જેવા મુદ્દા પર લડાય છે તેથી મતદારો મતદાન તરફ ઉદાસીન રહે છે એવું મનાય છે. દરેક વિસ્તાર અલગ અલગ રાજકીય પાર્ટીઓનાં પોકેટ બની ગયાં છે. તેના કારણે થતી ગુંડાગીરીના કારણે પણ મતદારો પણ આવી ચૂંટણી વખતે રસ લેતા નથી...