(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મલાડમાં વેર્સ્ટન એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારના એક ખાનગી બસમાં અચાનક આગ ફાટી નીકળી હતી. સવારના પીક અવર્સમાં બસમાં લાગેલી આગને કારણે હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સદ્નસીબે આગમાં કોઈ જખમી થયું નહોતું.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ વહેલી સવારના ૧૦ વાગ્યાની આસપાસ મલાડ પૂર્વમાં બ્રિજ પાસે આ બનાવ બન્યો હતો, જેમાં ખાનગી સ્લીપર કોચ બસ બોરીવલી તરફ જઈ રહી હતી ત્યારે અચાનક તેમાં આગ ફાટી નીકળી હતી.
બસમાં આગ લાગી ત્યારે તેમાં પ્રવાસીઓ બેઠા હતા. આગ લાગવાની સાથે જ ઝડપથી તેઓ બસમાંથી સુરક્ષિત રીતે બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. બસમાં ચોક્કસ કેટલા પ્રવાસીઓ હતા તેની જાણ થઈ શકી નહોતી. ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અડધા કલાકમાં આગ બુઝાવી દીધી હતી. જોકે આગમાં બસ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી.
આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું. આગને કારણે જોકે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક જામ થઈ ગયો હતો.