(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ઘાટકોપર (પશ્ચિમ)માં નારાયણ નગરમાં મંગળવારે એક ઈન્ડસ્ટ્રિયલ યુનિટમાં વહેલી સવારે લાગેલી આગમાં ત્રણ જણ જખમી થયા હતા. ત્રણેય પર ખાનગી હૉસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ ઘાટકોપર પશ્ર્ચિમમાં નારાયણ નગરમાં મહેન્દ્ર હૉસ્પિટલ નજીક ગ્રાઉન્ડ પ્લસ બેઝમેન્ટ પ્લસ બે માળની બિલ્ડિંગ આવેલી છે. સવારના ૧૦.૨૦ વાગ્યાની આસપાસ બિલ્ડિંગના બીજા માળા પર આગ ફાટી નીકળી હતી. ઘટના સ્થળે ચાર ફાયર એન્જિન પહોંચીને આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયરબ્રિગેડના જણાવ્યા મુજબ ત્રીજા માળા પર ૧,૦૦૦ સ્ક્વેરફૂટના એરિયામાં આવેલા ગાલા નંબર ૨૦૯માં આગ લાગી હતી, જેમાં ઈલેક્ટ્રિક ઈન્સ્ટોલેશન, લાકડાના ફર્નિચર, મશીન, ગાર્મેન્ટ સહિત ઓફિસના તમામ સામાનમાં ફેલાઈ ગઈ હતી.યુનિટમાં મોટા પ્રમાણમાં કપડા સહિતનો અન્ય સામાન હોવાથી આગ ઝડપભેર ફેલાઈ ગઈ હતી. આગ પર લગભગ ૧.૨૦ વાગ્યાની આસપાસ નિયંત્રણ મેળવવામાં સફળતા મળી હતી. આગમાં જોકે કુલિંગ ઓપરેશન મોડે સુધી ચાલ્યુ હતુ.
આગમાં જોકે ત્રણ જણ જખમી થયા હતા, જેમાં ૩૦ વર્ષનો રિયાઝુદ્દીન ૬૦ ટકા દાઝી ગયો હતાો. ૫૦ વર્ષનો વલાયત અલી મામૂલી માત્રામાં અને ૫૧ વર્ષનો હદીસ અલી ૩૦ ટકા દાઝી ગયો હતો. ત્રણેયને રાજાવાડી હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે બાદમાં ત્રણેય રાજાવાડીથી ડિસ્ચાર્જ લઈને ખાનગી હૉસ્પિટલમાં દાખલ થયા હતા.આગનું ચોક્કસ કારણ જાણી શકાયું નહોતું પણ પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવે છે.