જૂઈ પાર્થ
સારિકાબહેનનો દીકરો સમીર વિદેશ ભણવા ગયો. એને ભારતમાં નહોતું રહેવું. સારિકાબહેન અને ભદ્રાયુભાઈએ દીકરાના વિદેશ જવાને મને-કમને ટેકો આપ્યો. સમજણો થયો ત્યારથી સમીરને વિદેશ ભણીને ત્યાં જ સેટલ થવું હતું. એ વિદેશની જીવનશૈલીથી એટલો તો પ્રભાવિત હતો કે પોતાના દેશમાં એને મોટો થયો હોવા છતાં નહોતું ફાવતું.. એ પણ વિદેશ ગયા વિના!
મોટી ઈમારતો, મોટી ડિગ્રી, મોટી નોકરી, મોટી સેલેરી, મોટી ગાડી, મોટો વિલા આ હતાં સમીરનાં મોટાં સપનાં! આ જ સપનાં આંખોમાં ભરીને સમીર વિદેશ ગયો. પહેલો મહિનો અહોભાવમાં ગયો. એનો આત્મવિશ્વાસ ચરમસીમાએ પહોંચી ગયો. પણ જેમ જેમ દિવસો અને મહિના પસાર થતા ગયા એમ એને હકીકતનો સામનો કરવાની શરૂઆત થઈ. જે મિત્રોએ શરૂઆતમાં ખૂબ મદદ કરી એ વ્યસ્ત થવા માંડ્યા. પિતા પાસેથી વધુ પૈસા માગતા સંકોચ થવા માંડ્યો. ભણવાની સાથે ખાવાનું, ઘર, લોન્ડ્રી, કરિયાણું-શાકભાજી, ગેસ-પાણી-લાઈટનાં બિલ્સ વગેરે ભરવામાં તકલીફ પડવાની શરૂઆત થઈ.
આ સમયે સમીરને એનાં માતા- પિતા, દેશ ખૂબ યાદ આવ્યા. એણે મમ્મીને ફોન કરીને કહ્યું કે, ‘મમ્મી, આઈ મીસ યુ, હું તને, પપ્પાને, આપણા ઘરને, તહેવારોને બહુ જ મીસ કરું છું. ગઈ દિવાળીએ આપણે સાથે કેટલી મજા કરી હતી. મમ્મી, તારા હાથનો બનેલો મોહનથાળ અને પપ્પાની સાથે રોજ નાની- મોટી વાતે થતી રકઝક પણ બહુ મીસ કરું છું.’
સારિકાબહેનને માન્યામાં ના આવ્યું કે આ એ જ સમીર છે, જેને વિદેશનું ઘેલું લાગ્યું હતું. હવે સમીર અવારનવાર ફોન કરવા લાગ્યો હતો અને દરેક ફોનમાં એક જ વાત મીસ યુ કહેવા લાગ્યો હતો. સમીરનાં પિતાને પણ લાગતું હતું કે સમીર બદલાઈ ગયો છે. સાથે રહેતા હતાં ત્યારે ‘મીસ યુ’ કહેવાની જરૂર નહોતી પડતી. હવે દૂર રહે છે તો વાતેવાતે ‘મીસ યુ’ કહેવાઈ જાય છે.
- તો આ ‘મીસ યુ’ અથવા તો કોઈ વ્યક્તિ, સ્થળ, ઘટનાઓ, અનુભવો મીસ કરવા એટલે શું? મીસ કરવું એટલે જે તે વ્યક્તિ, વસ્તુ કે સમયની ગેરહાજરીમાં એને યાદ કરવું. આજકાલ ઘણા લોકો એવું કહેતા સંભળાય છે કે તહેવારો હવે પહેલાં જેવા નથી રહ્યા. સંબંધો તકલાદી થઈ ગયા છે, એમાં પહેલા જેવી આત્મીયતા નથી રહી. હવા-પાણી તો પહેલાનાં જમાનામાં શુદ્ધ હતાં, હવે તો માત્ર પ્રદૂષણ છે. પહેલાની ફિલ્મો અને એમાંય એનાં ગીતો કેવા સુંદર હોતા’તા, એ ગીતોની ધૂન અને એનાં શબ્દો હજીયે યાદ રહે છે...
આ પહેલાનો સમય એટલે કે ભૂતકાળ મીસ કરવાની વાત છે. એ સમય જે વર્તમાન કરતાં વધુ સારો લાગતો હતો.
જ્યારે કોઈ કંઈ મીસ કરવાની વાત કરે ત્યારે એમાં ક્યાંક ને ક્યાંક થોડી પીડા, થોડો અસંતોષ, થોડી લાગણી, થોડી અપેક્ષા તો થોડી ફરિયાદ ભળેલી લાગે છે. જો કે દર વખતે મીસ કરવા સાથે નકારાત્મકતા જોડાયેલી હોય એવું જરૂરી નથી. અને દરેક વખતે મીસ કરવું આનંદ આપે એ પણ જરૂરી નથી. મીસ કરવા પાછળ ઘણાં બધાં કારણ જવાબદાર હોય છે. કેટલાક લોકો વર્તમાન સ્વીકારી નથી શકતા અને માટે શક્ય છે કે એમને ભૂતકાળની વિતાવેલી સારી ક્ષણો યાદ આવ્યા કરે છે અને એ મીસ કરે છે. સાસરે ગયેલી દીકરી પણ લગ્ન પછી માતા- પિતાને મીસ કરે છે. જે સ્કૂલ જઈ ભણવું નથી ગમતું એ જ સ્કૂલ ભણતર પૂરું થયા પછી મીસ થાય છે. કોઈ પહાડ મીસ કરે છે તો કોઈ દરિયા કિનારો.
આમ જોઈએ તો આપણે સહુ કંઈ ને કંઈ મીસ તો કરતાં જ હોઈએ છીએ. એ પણ એટલી જ હકીકત છે કે મીસ ભૂતકાળને જ કરી શકાય. ભવિષ્ય તો આપણામાંથી કોઈએ નથી જોયું. માટે જે સારી ઘટનાઓ બની ગઈ છે એ વાગોળવી ગમતી હોય છે. મીસ કરતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે હાલનો વર્તમાન કાલનો ભૂતકાળ છે જે આપણે કદાચ ભવિષ્યમાં મીસ કરતાં હોઈશું તો પછી વર્તમાન જેવો છે તેવો માણી કોમ ના લેવો?!
આપણે ભૂતકાળની કેટલીક ક્ષણોને વર્તમાનમાં નથી માણી શકતાં. એ ઈશ્વરે આપેલી અમૂલ્ય ક્ષણોને થયેલો અન્યાય નહીં તો બીજું શું કહેવાય?
મીસ યુ.... વિશે બોલો, તમે શું કહો છો?