કોલકાતા: આ વર્ષે પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે, એ પહેલા રાજ્યનું રાજકારણ ગરમાઈ રહ્યું છે. થોડા દિવસો પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ પોલીટીકલ કન્સલ્ટન્સી ફર્મ I-PAC ની કોલકાતામાં આવેલી ઓફીસ પર દરોડા પાડ્યા હતાં. આ દરમિયાન મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ હોબાળો મચાવ્યો હતો. એવામાં મમતા બેનર્જીએ દેશના ન્યાયાધીશ સૂર્યકાંત સમક્ષ બંધારણ, લોકશાહી અને ન્યાયતંત્રને બચાવવા જાહેરમાં અપીલ કરી છે.
કલકત્તા હાઈકોર્ટની જલપાઈગુડી સર્કિટ બેન્ચની નવી બિલ્ડીંગના ઉદ્ઘાટન પ્રસંગે ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને કલકત્તા હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ સુજોય પોલ હાજર રહ્યા હતા. મુખ્ય પ્રધાન મમતા બેનર્જી પણ આ પ્રસંગે હાજર રહ્યા હતાં.
બંધારણના રક્ષા માટે અપીલ:
આ દરમિયાન મમતા બેનર્જીએ કહ્યું, "મુખ્ય ન્યાયાધીશ અને તમામ ન્યાયાધીશોને હું વિંનતી કરું છું કે આપણા બંધારણ, લોકશાહી, સલામતી અને સુરક્ષા, ઇતિહાસ, ભૂગોળ અને સર્હારને આપત્તિથી સુરક્ષિત રહે તેનું ધ્યાન રાખે. કોર્ટ કેસનો અંતિમ નિર્ણય આપે એ પહેલાં મીડિયાએ મીડિયા ટ્રાયલ ચલાવવું ન જોઈએ. આજકાલ લોકોને બદનામ કરવાનો એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે, તાપસ એજન્સીઓ મારફતે કેટલાક લોકોને બદનામ કરવાના ઇરાદાપૂર્વકના પ્રયાસો કરવામાં રહ્યો છે.”
મમતા બેનર્જીએ કહ્યું, "લોકોનું રક્ષણ કરો. આ હું મારા માટે નથી કહી રહી. લોકશાહી, ન્યાયતંત્ર, દેશ અને બંધારણ બચાવો. અમે તમારી કસ્ટડીમાં છીએ. ન્યાયતંત્રથી ઉપર કોઈ નથી."
કેન્દ્રએ ફાસ્ટ-ટ્રેક કોર્ટને ફંડ બંધ કર્યું:
નિવેદન દરમિયાન મમતા બેનર્જીએ દાવો કર્યો કે કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળમાં ફાસ્ટ-ટ્રેક કોર્ટને ફંડ આપવાનું બંધ કરી દીધું છે, પરંતુ તેમની સરકારે 88 ફાસ્ટ-ટ્રેક કોર્ટની સ્થાપના કરી હતી.
મમતાને કોર્ટની નોટીસ:
કોલકતાના સોલ્ટ લેકમાં આવેલા I-PAC ઓફીસ પર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ના દરોડા બાદ મમતા બેનર્જીએ ભાજપ તૃણમુલ કોંગ્રેસના આંતરિક દસ્તાવેજો જપ્ત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો.
દરોડા દરમિયાન કામગીરીમાં દખલગીરી કરવા અંગે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની અરજી પર સુનાવણી કરતા, સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ પ્રશાંત મિશ્રા અને વિપુલ પંચોલીની બેન્ચે ગુરુવારે મમત બેનર્જી, પશ્ચિમ બંગાળ સરકાર અને રાજ્યના પોલીસ વડા રાજીવ કુમારને નોટીસ પાઠવી હતી.