Tue Jan 20 2026

Logo

White Logo

બાપ એવા બેટા નહીં બેટીઃ : એરફોર્સમાં સેવા આપતા પિતાની દીકરી હવે દેશસેવા કરશે...

1 hour ago
Author: pooja shah
Video

વડોદરાઃ બાપ એવા બેટા એવી કહેવાત આપણે ત્યાં છે, પરંતુ વડોદારાની એક બેટીએ પિતાની પગદંડીએ ચાલવાની નેમ લીધી અને નિષ્ફળતાઓથી ડર્યા વિના સફળતાની કેડી કંડારી છે. ઑપરેશન સિંદૂર સમયે વડોદરાની દીકરી સોફીયા કુરેશીએ આપણને ગૌરવ અપાવ્યું હતું ત્યારે હવે વડોદરાની બીજી એક દીકરી દેશની સેવા કરી ગૌરવ અપાવવા જઈ રહી છે. 

 શહેરની  23 વર્ષીય પ્રતિક્ષા ચૌહાણે એરફોર્સ કોમન એડમિશન ટેસ્ટ (AFCAT) માં ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) 5 મેળવ્યો છે અને ભારતીય વાયુસેના (IAF) ની વેપન સિસ્ટમ બ્રાન્ચ માટે પસંદગી પામી છે, અને પરીક્ષામાં ટોચના પાંચમાં સ્થાન મેળવનારી ગુજરાતની પ્રથમ મહિલા બની છે.

પ્રતીક્ષાએ અહીં પહોંચવા માટે ઘણી પ્રતીક્ષા અને પરિશ્રમ કર્યા અને તેનાં પ્રેરણામૂર્તિ બન્યાં પિતા. પિતા વાયુસેનામાં હોવાથી પ્રતીક્ષાએ મનમાં નક્કી કરી લીધું હતું કે તે મંઝિલ સુધી પહોંચશે. સર્વિસ સિલેક્શન બોર્ડ (SSB)ના અંતિમ તબક્કે પહોંચી તે ત્રણવાર નિષ્ફળ ગઈ ત્યારબાદ એરફોર્સ સિલેક્શન બોર્ડે (દહેરાદૂને) તેને રેકમન્ડ કરી.

દેશભરમાંથી 220 ઉમેદવાર કેમેન્ડ કરવામાં આવ્યા હતા, જેમાં સૌથી સારુ પ્રદર્શન કરનારા પાંચ ઉમેદવારમાં પ્રતીક્ષા પાંચમા સ્થાને રહી. હવે તે હૈદરાબાદમાં એરફોર્સ એકેડમીમાં ટ્રેનિંગ લેશે.  પ્રતિક્ષાએ 2022 માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU) ના આર્ટ્સ ફેકલ્ટીમાંથી  પોલિટિકલ સાયન્સમાં ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી હતી.

ત્યારબાદ 2025માં એલએલબી કર્યું. તેનાં અંડરગ્રેજ્યુએટ વર્ષો દરમિયાન નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) એર વિંગ સાથે સક્રિય રીતે સંકળાયેલી હતી અને તેને શ્રેષ્ઠ કેડેટનો ખિતાબ એનાયત કરવામાં આવ્યો હતો, જેના કારણે તેને  જાન્યુઆરી 2021 માં પ્રજાસત્તાક દિવસ શિબિરમાં ગુજરાત ડિરેક્ટોરેટનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી.

પ્રતીક્ષાએ કહ્યું કે મારા પિતાને બ્લ્યુ યુનિફોર્મમાં મેં જોયા છે અને આ બબાતે મારા પર ખૂબ જ પ્રભાવ પાડ્યો છે. આ યુનિફોર્મ એ દરેક વસ્તુનું પ્રતીક હતો જ હું બનવા માગતી હતી. આ સાથે
  NCC એ મારા વ્યક્તિત્વ અને શિસ્તને ઘડવામાં પણ મોટી ભૂમિકા ભજવી હતી."

પ્રતિક્ષા વેપન સિસ્ટમ બ્રાન્ચમાં જોડાશે જે જે IAF વિમાનમાં ઉપયોગમાં લેવાતી વિવિધ શસ્ત્ર પ્રણાલીઓના સંચાલનમાં અધિકારીઓને તાલીમ આપે છે. હૈદરાબાદમાં તાલીમ પૂર્ણ કર્યા પછી, અધિકારીઓને ઓપરેશનલ યુનિટમાં પોસ્ટ કરવામાં આવે છે.

પ્રતીક્ષાના પિતા ધર્મેન્દ્ર સિંહ ચૌહાણ, ૧૮ વર્ષની સેવા પછી ૨૦૦૯ માં નિવૃત્ત થયા તે પહેલાં IAF માં સાર્જન્ટ તરીકે સેવા આપી હતી અને હવે તેઓ ભારતીય રેલ્વેમાં સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે કામ કરે છે. તેમની માતા, રેણુ ચૌહાણ, ગૃહિણી છે.