નવી દિલ્હી: કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આંકડા મુજબ ખાતર અને સિમેન્ટના ઉત્પાદનમાં થયેલા વધારાને કારણે ભારતના આઠ મુખ્ય માળખાગત ક્ષેત્રોએ ગયા વર્ષે ડિસેમ્બરમાં ૩.૭ ટકાનો ચાર મહિનાનો સૌથી ઊંચો વૃદ્ધિદર નોંધાવ્યો હતો.
જોકે, ડેટા દર્શાવે છે કે આ આઠ ક્ષેત્રનું પ્રદર્શન વાર્ષિક ધોરણે ધીમું પડ્યું હતું. ડિસેમ્બર ૨૦૨૪માં આ ક્ષેત્રોના ઉત્પાદનમાં ૫.૧ ટકાનો વધારો થયો હતો. ગયા વર્ષે નવેમ્બરમાં તે ૨.૧ ટકા હતો.
સમીક્ષા હેઠળના મહિના દરમિયાન ક્રૂડ ઓઇલ, કુદરતી ગેસ અને રિફાઇનરી ઉત્પાદનોના ઉત્પાદનમાં નકારાત્મક વૃદ્ધિ નોંધાઈ છે. ખાતર અને સિમેન્ટના ઉત્પાદનમાં અનુક્રમે ૪.૧ ટકા અને ૧૩.૫ ટકાનો વધારો થયો છે.
ડિસેમ્બર ૨૦૨૫માં કોલસો, સ્ટીલ અને વીજળીના ઉત્પાદનમાં વૃદ્ધિ દર ૩.૬ ટકા, ૬.૯ ટકા અને ૫.૩ ટકા રહ્યો. જોકે, વીજળી ઉત્પાદનમાં ક્રમિક ઉછાળો નોંધાયો, કારણ કે નવેમ્બરમાં તેમાં દોઢ ટકાનો ઘટાડો થયો હતો.
આ નાણાકીય વર્ષના એપ્રિલ-ડિસેમ્બર સમયગાળા દરમિયાન, આ ક્ષેત્રોના ઉત્પાદનમાં ૨.૬ ટકાનો વધારો થયો છે જે પાછલા નાણાકીય વર્ષના સમાન સમયગાળા દરમિયાન ૪.૫ ટકા હતો. આઠ મુખ્ય ઉદ્યોગ ઇન્ડેક્સ ઓફ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન (આઈઆઈપી)માં સમાવિષ્ટ વસ્તુઓના વજનના ૪૦.૨૭ ટકાનો સમાવેશ કરે છે.