અમદાવાદઃ રાજકોટમાં વર્ષ 2023માં પિતાએ પુત્રની હત્યા કરી હતી. આ કેસમાં સેશન્સ કોર્ટે પિતાને આજીવન કેદ અને 25,000ના દંડની સજા ફટકારી હતી. 9મી માર્ચના રોજ મોડી રાત્રે આરોપી બટુકભાઈ કુકડીયા(55)એ મહેશ કુકડીયા(31)ની હત્યા કરી હતી. આ હત્યા સાબિત કરવામાં મૃતકના માતા રેખાબેન તેમ જ હત્યા માટે વપરાયેલી લાકડી પરના બ્લડગ્રુપે મહત્વનો ભાગ ભજવ્યો હતો.
ઘટનાના બીજા દિવસે એટલે કે 10મી માર્ચે રેખાબેન દીકરા મહેશની રાહ જોઈ રહ્યા હતાં. મહેશ આગલી રાત્રે ખેતરમાં પાણી વાળવા ગયો હતો અને ત્યાં જ સૂઈ રહ્યો હતો. સવારે દીકરો ન આવતા માતા ખેતરમાં જોવા ગયા ત્યારે દીકરો મૃત હાલતમાં મળ્યો હતો. માતાએ પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધાવ્યો હતો અને પિતા સામે શંકા વ્યક્ત કરી હતી.
પોલીસે પિતાની ધરપકડ કરી પૂછપરછ કરી હતી. પિતા બટુકભાઈ કંઈ જ કામધંધો કરતા ન હતા અને દીકરા પાસેથી પૈસા માગતા હતા અને પરિવારને હેરાન કરતા હતાં, તેમ પણ માતાએ જણાવ્યું હતું.
જોકે આ ઘટનાના સાક્ષી કોઈ ન હોવાથી ગુનો સાબિત કરવો અઘરો હતો. પુત્ર અને પિતાનું બ્લડગ્રુપ એ હતું અને લાકડી પર મળેલા લોહીના ડાઘા પણ એ ગ્રુપના હતા. આ લોહી પુત્રનુ હોવાનું સાબિત થતા તેમ જ માતાએ આપેલા કબૂલનામા બાદ પિતાનો દોષ સાબિત થયો હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું. કોર્ટે પિતાને આજીવન કેદ અને રૂ. 25,000નો દંડ ફટકાર્યો હતો.