લાતેહાર : ઝારખંડના લાતેહારમાં ઓરસા ખીણ નજીક એક મોટો માર્ગ અકસ્માત સર્જાયો છે. જેમાં જાનૈયાઓને લઈ જતી બસ ખીણમાં પડી હતી. આ દુર્ઘટનામાં પાંચ લોકોના મોત થયા અને 25 લોકો ઘાયલ થયા હતા. આ અંગે મળતી માહિતી મુજબ લગ્નની જાન લઈ જતી બસે કાબુ ગુમાવ્યો અને તે બસ ખીણમાં પલટી ગઈ હતી.
આ બસમાં 80 લોકો હોવાનું માનવામાં આવી રહ્યું છે
સૂત્રોના જણાવ્યા અનુસાર આ અકસ્માતગ્રસ્ત બસ છત્તીસગઢના બલરામપુરમાં જ્ઞાન ગંગા હાઇ સ્કૂલની હતી. તેમજ બસમાં ક્ષમતા કરતાં વધુ લોકો સવાર હતા. આ બસમાં 80 લોકો હોવાનું માનવામાં આવી રહ્યું છે. છત્તીસગઢથી લોધી ધોધ તરફ જઈ રહી હતી. ઓરસા ખીણમાં એક ખતરનાક વળાંક પર ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો અને બસ પલટી ગઈ હતી. જેના કારણે ઘટનાસ્થળે અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો.
હજુ કેટલાક ઘાયલો અને મૃતદેહો બસ નીચે ફસાયેલા
આ દુર્ઘટનાની જાણ થતાં જ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. મહુઆદંડ પોલીસ સ્ટેશનના અધિકારી મનોજ કુમાર પોલીસ અને એમ્બ્યુલન્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા.તેમજ હજુ કેટલાક ઘાયલો અને મૃતદેહો બસ નીચે ફસાયેલા છે અને તેમને બહાર કાઢવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ડોકટરોની એક ટીમ તૈનાત કરવામાં આવી છે. સ્થાનિક ક્લિનિકના ખાનગી પ્રેક્ટિશનરો પણ ઘાયલોના જીવ બચાવવા માટે ડોકટરોને મદદ કરવા માટે સેવા આપી રહ્યા છે.