Tue Jan 20 2026

Logo

White Logo

અશાંતધારાની મુદ્દત વધારાઈ : રાજ્ય સરકારે રાજકોટમાં 28 સોસાયટીમાં અશાંતધારાની મુદ્દત 5 વર્ષ સુધી વધારી, લોકોને શું અસર થશે?

1 day ago
Author: Vimal Prajapati
Video

રાજકોટઃ રાજકોટમાં લાગું અશાંતધારાની મુદ્દત વધારવા માટે ઘણા સમયથી માગ થઈ રહી હતી.સ્થાનિકોની માંગ સ્વીકારીને રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દત વધારી 16 જાન્યુઆરી, 2031 કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રાજકોટ શહેરના 28 સોસાયટીમાં અશાંતધારાની મુદ્દત 13 જાન્યુઆરીના રોજ પૂર્ણ થતી હતી, ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ મુદ્દત વધારી 16 જાન્યુઆરી, 2031 કરવામાં આવી હોવાનું પશ્ચિમ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ડૉ. દર્શિતાબેન શાહએ જણાવ્યું છે. 

મિલકત ખરીદનાર અને વેચનારની સાથે કલેકટરની મંજૂરી લેવી પડશે

અત્રે નોંધનીય છે કે, આ મુદ્દત પૂર્ણ થતા જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણી અટકાવી દેવામાં આવી હતી. હવે અહીં વધુ 5 વર્ષ માટે અશાંતધારો લાગૂ કરી દેવામાં આવ્યો છે, જેથી અહીં મિલકત ખરીદનાર અને વેચનારની સાથે કલેકટરની મંજૂરી વિના જમીન-મકાનની લે-વેંચ નહીં થઈ શકે. આ નિર્ણયની સામાન્ય લોકોને કેવી અસર થશે એક પ્રશ્ન છે. આ અંગે ધારાસભ્ય દ્વારા વિગતો શેર કરવામાં આવી છે. 

કઈ કઈ સોસાયટીમાં આ અશાંતધારાની મુદ્દત વધારાઈ

ડૉ. દર્શિતાબેન શાહએ જણાવ્યુ હતું કે, રાજકોટમાં વોર્ડ નં.2ની છોટુનગર કો. ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, નિરંજની સોસાયટી આશુતોષ સોસાયટી, સિંચાઈનગર, સ્વસ્તિક સોસાયટી, આરાધનપા સોસાયટી, દિવ્ય સિધ્ધ સોસાયટી, પ્રગતિ સોસાયટી, જીવનપ્રભા, અંજલી સોસાયટી, કૃષ્ણકુંજ સોસાયટી, સૌરભ સોસાયટી, રેસકોર્સ પાર્ક, વસુંધરા સોસાયટી, અવંતિકા પાર્ક, જનતા જનાર્દન સોસાયટી, બજરંગવાડી વિસ્તાર, સુભાષનગર, ચુડાસમા પ્લોટ, રાજનગર, અલ્કાપુરી સોસાયટી, યોગેશ્વર સોસાયટી, ઈન્કમટેક્ષ સોસાયટી, બેંક ઓફ બરોડા સોસાયટી સહિતના 28 સોસાયટી વિસ્તારોમાં સામાજીક સંતુલન જળવાય રહે અને મિલ્કતોના ખરીદ-વેચાણમાં ગેરરીતિ અટકાવવાના ઉદ્દેશ સાથે અશાંતધારો લાગુ કરવામાં આવ્યો હતો. 

અશાંતધારાને લંબાવવાનું નોટિફિકેશન જાહેર

આ વિસ્તારોની મુદ્દત ગત 13 જાન્યુઆરીના વિધિવત રીતે પૂર્ણ થઇ ગઈ હતી. જે માટે છેલ્લા 6 માસથી થઈ રહેલી રજૂઆત બાદ 17 જાન્યુઆરીએ ગૃહ વિભાગ દ્વારા આ 28 સોસાયટીની અશાંતધારાની મુદ્દત 16 જાન્યુઆરી, 2031 સુધી લંબાવવાનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. ન્યુ રાજકોટની 28 સોસાયટીઓમાં લાગુ કરાયેલા અશાંતધારાની મુદત ગત 13 જાન્યુઆરીના પૂર્ણ થતાં આ સોસાયટી વિસ્તારના જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણી પર તાબડતોબ બ્રેક મારી દેવામાં આવી હતી. કલેક્ટર તંત્ર દ્વારા અશાંતધારા હેઠળ આવરી લેવાયેલા 28 સોસાયટીના જમીન-મકાનના દસ્તાવેજોની નોંધણી હાલ તૂરંત નહીં કરવા માટે સબ રજીસ્ટ્રારને પણ તાકિદ કરી દેવામાં આવી હતી.