મુંબઈ: બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) ચૂંટણી 2026નું પરિણામ શુક્રવારે જાહેર થયું, કોઈ પણ પક્ષ પોતાના બળ પર બહુમતી મેળવી શક્યો નહીં. હોર્સ ટ્રેડીંગના ડરે શિવ સેનાના ચૂંટાયેલા 29 કોર્પોરેટરોને શનિવારે બાંદ્રા ખાતે તાજ લેન્ડ્સ એન્ડ હોટેલમાં લઇ જવામાં આવ્યા હતાં. અહેવાલો હતાં કે વિપક્ષ સાથે મળીને કેટલાક શિવ સેનાના કોર્પોરેટરોને ખરીદવાનો પ્રયાસ કરી શકે છે. પરંતુ શિવ સેના વડા અને નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આ ચર્ચાનો અંત લાવ્યો છે, તેઓ રવિવારે રાત્રે હોટેલમાં કોર્પોરેટરોને મળ્યા હતા.
શિવસેનાએ સત્તાવાર જણાવ્યું હતું કે ઘણા કોર્પોરેટરો પહેલી વાર ચૂંટાયા છે, તેમને તાલીમ આપવા ત્રણ દિવસના તાલીમ સત્ર માટે એક હોટલમાં રાખવામાં આવ્યા છે.
એકનાથ શિંદેએ કરી સ્પષ્ટતા:
એકનાથ શિંદેએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે મુંબઈના મેયર મહાયુતિમાંથી જ હશે. તેમણે એમ પણ કહ્યું કે કલ્યાણ-ડોંબિવલી જેવા મુંબઈના પડોશી શહેરોમાં પણ મહાયુતિના મેયર હશે.
કોર્પોરેટરોને મળ્યા બાદ શિંદેએ કહ્યું, "શિવસેના એવી પાર્ટી નથી જે ડરીને બેસી જાય. શિવસેના (UBT) એ પોતાના કોર્પોરેટરોનું ધ્યાન રાખવું જોઈએ." તેમણે એવો પણ સંકેત આપ્યો કે વિપક્ષના કેટલાક કોર્પોરેટરો મહાયુતિના મેયર ઉમેદવારને મત આપી શકે છે.
કોર્પોરેટરોને કામ શરુ કરવા સલાહ:
શિંદેએ કોર્પોરેટરો તાત્કાલિક કામે લાગી જવા અને એક એક્શન પ્લાન તૈયાર કરવા સલાહ આપી. તેમણે કોર્પોરેટરોને ચેતવણી આપી કે નાગરિકોને અસુવિધા ન થવી જોઈએ અને કોર્પોરેટરો લોકોની પહોંચમ હોવા જોઈએ. શિંદેએ કહ્યું, “સવારે ઉઠો અને કામ પર લાગી જાઓ, તમારા વોર્ડ મુંબઈમાં સારામાં સારા હોવા જોઈએ."
મુંબઈ મેયર પદનું ગણિત:
BMCમાં 227 વોર્ડ છે, બહુમતી માટે 114 ચૂંટાયેલા કોર્પોરેટરની જરૂર છે, ભાજપે 89 વોર્ડ પર જીત મેળવી છે, જ્યારે શિવ સેનાએ 29 વોર્ડ પર જીત મેળવી છે. આમ મહાયુતીએ કુલ 118 વોર્ડ પર જીત મળેવી છે, જે બહુમતીના આંકડાથી 4 વધારે છે.
શિવસેના (UBT)એ 65 વોર્ડ પર જીત મેળવી, MNSએ છ વોર્ડમાં જીત મેળવી, અને NCP (SP) એ એક વોર્ડ પર જીત મેળવી, આમ આ ગઠબંધને કુલ 72 વોર્ડ પર જીત મેળવી છે. કોંગ્રેસે 24 વોર્ડમાં, AIMIM ને 8માં અને સમાજવાદી પાર્ટી(SP)એ 2 વોર્ડમાં જીત મળી. જો સમગ્ર વિપક્ષ સાથે આવે તો 108 બેઠકો સુધી પહોંચે છે, આમ શિવ સેનાના 6 કોર્પોરેટરને પોતાની સાથે લઇને વિપક્ષ બહુમતી મેળવી શકે છે.
વિપક્ષી શિવસેના (UBT)ના કેટલાક નેતાઓએ દાવો કર્યો હતો કે શિંદે મેયર પદ ઈચ્છે છે, એ માટે ભાજપ સાથે ચર્ચા કરી રહ્યા છે.