Tue Jan 20 2026

Logo

White Logo

સ્પેનમાં બે ટ્રેનો વચ્ચે ભીષણ ટક્કર: : ૨૧ના મોત, કાટમાળ તોડીને બહાર નીકળ્યા મુસાફરો

Madrid   18 hours ago
Author: Devayat Khatana
Video

મેડ્રીડ: સ્પેનમાં રવિવારે સાંજે સર્જાયેલા એક ભયાનક ટ્રેન અકસ્માતમાં 21 લોકોના મોત થયા હતા અને અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ છે. દક્ષિણ સ્પેનના કોર્ડોબા પાસે હાઈ-સ્પીડ ટ્રેન પાટા પરથી ઉતરી જતાં સામેથી આવતી બીજી ટ્રેન સાથે અથડાતા આ ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. સ્પેનના પરિવહન પ્રધાન ઓસ્કર પુએન્ટેએ આ જાનહાનિની પુષ્ટિ કરી હતી. તેમણે મૃત્યુઆંક હજુ વધી શકે છે તેવી આશંકા વ્યક્ત કરી હતી.

મળતી   વિગતો અનુસાર, અકસ્માત ત્યારે થયો જ્યારે માલાગા-મેડ્રિડ જતી ટ્રેન જેમાં આશરે 300 મુસાફરો હતા તે પાટા પરથી ઉતરી ગઈ હતી અને સામેના પાટા પર આશરે 200 મુસાફરોને લઈને આવી રહેલી મેડ્રિડ-હુએલ્વા ટ્રેન સાથે અથડાઈ હતી. આ અથડામણ એટલી ભીષણ હતી કે મુસાફરોએ તેને ભૂકંપ જેવો અનુભવ ગણાવ્યો હતો. ટ્રેનના ડબ્બાઓમાં ધુમાડો ભરાઈ જતાં મુસાફરોએ બારીના કાચ તોડીને બહાર નીકળવું પડ્યું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં લોકો કાટમાળમાંથી બહાર નીકળવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા.

 

દુર્ઘટનાની વિગતો મળતાની સાથે જ બચાવ કામગીરી માટે સ્પેનની મિલિટરી ઈમરજન્સી યુનિટ અને રેડ ક્રોસની ટીમોએ ભારે જહેમત આદરી  હતી. જો કે રાતના સમયે સર્જાયેલી દુર્ઘટનામાં બચાવ કામગીરીમાં અંધારૂ એક અવરોધ બન્યું હતું, તેમ છતાં સ્થાનિકોએ મદદ માટે ધાબળા અને પાણી પહોંચાડ્યા હતા. પ્રાદેશિક આરોગ્ય પ્રમુખ એન્ટોનિયો સાન્ઝે જણાવ્યું હતું કે 73 ઈજાગ્રસ્તોને છ અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 

જો કે હજુ સુધી અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. પરિવહન પ્રધાને આ ઘટનાને અત્યંત વિચિત્ર ગણાવી હતી કારણ કે આ અકસ્માત રેલવેના એક સપાટ પટ્ટા પર થયો હતો જેનું ગત મે મહિનામાં જ નવીનીકરણ કરવામાં આવ્યું હતું. હાલ તપાસ શરૂ કરવામાં આવી હતી, જે પૂર્ણ થતા એક મહિના જેટલો સમય લાગી શકે છે.