Tue Jan 20 2026

Logo

White Logo

વિશ્વ પ્રસિદ્ધ 'કચ્છ રણોત્સવ'નો ધમાકેદાર પ્રારંભ : વિશ્વ પ્રસિદ્ધ 'કચ્છ રણોત્સવ'નો ધમાકેદાર પ્રારંભ: CM ભૂપેન્દ્ર પટેલે પ્રવાસીઓને સીધું આમંત્રણ આપ્યું! 20 ફેબ્રુઆરી, 2026 સુધી ચાલશે રણોત્સવ

1 month ago
Author: mumbai samachar team
Video

ભુજ/ગાંધીનગરઃ ગુજરાતનું ગૌરવ અને વિશ્વભરના પ્રવાસીઓ માટેનું મુખ્ય આકર્ષણ એવો 'કચ્છ રણોત્સવ' ફરી એકવાર ધમાકેદાર રીતે શરૂ થઈ ગયો છે. આ વખતના રણોત્સવની શરૂઆતની જાહેરાત ખુદ રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર એક પ્રેરક પોસ્ટ મારફત કરી છે. 

મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં લખ્યું કે“આખી દુનિયા જેની રાહ જોવે છે એ રણોત્સવ આવી ચૂક્યો છે. હું તો આવતીકાલે ધોરડો જઈ રહ્યો છું. તમે પણ આવશો ને?” તેમના આ સીધા આમંત્રણથી લાખો લોકોમાં કચ્છની મુલાકાત લેવા માટેનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. રણોત્સવ હવે માત્ર ગુજરાતનો નહીં, પણ વિશ્વની સૌથી મોટી ટૂરિઝમ બ્રાન્ડ બની ગયો છે.

ગુજરાતના મુખ્યમંત્રી CM ભૂપેન્દ્ર પટેલે પોતાની પોસ્ટમાં કચ્છના સફેદ રણની અદભૂત સુંદરતા અને રણોત્સવના વિવિધ આકર્ષણોનું સુંદર વર્ણન કર્યું છે. તેમણે લખ્યું હતું કે 'ક્ષિતિજે દૂર દૂર સુધી નજર કરીએ ત્યાં સુધી અફાટ સફેદ રણ.. ધોરડોની ધરતીમાં અજબ ખુમાર છે. તેની હવામાં જાણે અલખનો પોકાર છે.'

 

રણોત્સવમાં આવનાર પ્રવાસીઓ માટે અહીં કચ્છી ભૂંગામાં રહેવાનો અનોખો અનુભવ, ભાતીગળ કલાનો ખજાનો, પરંપરાગત ભોજનનો રસથાળ, અને એડવેન્ચર એક્ટિવિટીઝની રોમાંચકતા ઉપલબ્ધ છે. આ ઉપરાંત, સાંસ્કૃતિક કાર્યક્રમો, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ અને કિડ્સ પ્લે એરિયા જેવા આકર્ષણો પણ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે.

મુખ્યમંત્રીએ આપેલી માહિતી અનુસાર આ વર્ષનો કચ્છ રણોત્સવ 20 ફેબ્રુઆરી 2026 સુધી ચાલશે. આટલા લાંબા સમયગાળા દરમિયાન દર વર્ષની જેમ આ વખતે પણ દેશ-વિદેશના પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળે તેવી શક્યતા છે. 

વધુમાં, મુખ્યમંત્રીએ ટ્વીટમાં પ્રવાસીઓને કચ્છની આસપાસનાં અન્ય મહત્વપૂર્ણ સ્થળોની મુલાકાત લેવા પણ સૂચવ્યું છે, જેમાં ધોળાવીરા (સિંધુ સભ્યતાનું સ્થળ), રોડ થ્રુ હેવન, લખપત, માતાનો મઢ, નારાયણ સરોવર, કાળો ડુંગર, સ્મૃતિવન અને માંડવીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ બધાં સ્થળો કચ્છની યાત્રાને જીવનભરની યાદ બનાવી દે છે.

મુખ્યમંત્રીની આ પોસ્ટને લાખો લોકોએ લાઈક-શેર કરી છે અને ઘણાએ કોમેન્ટમાં “ચોક્કસ આવીશું” લખીને પોતાનો ઉત્સાહ દાખવ્યો છે. રણોત્સવ હવે ગુજરાતની સાંસ્કૃતિક ઓળખનો એક ભાગ બની ગયો છે. પ્રવાસીઓએ કચ્છના સફેદ રણની આ જાદુઈ દુનિયામાં ખોવાઈ જવાની આ તક ચૂકવી જોઈએ નહીં. સરકારી સ્તરે પ્રવાસનને અપાયેલા આ પ્રોત્સાહનથી રાજ્યના પ્રવાસન ઉદ્યોગને મોટો વેગ મળશે.