ગાંધીનગર: શ્વાન કરડે તો પીડિતે રેબીઝ એટલે કે હડકવાના ઇન્જેક્શન લેવા પડે છે. એક વાર હડકવા થઈ ગયો પછી તેનો કોઈ ઈલાજ શક્ય નથી. જોકે, તાજેતરમાં રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતેથી હડકવાના કારણે એક 50 વર્ષીય મહિલાનું મોત થયાની ઘટના સામે આવી છે. મૃતક મહિલા ગુજરાત સરકારના નિવૃત્ત એડિશનલ ચીફ સેક્રેટરી (IAS)ની દીકરી હતી.
શ્વાન કરડ્યું તો રસી કેમ ન લીધી?
2001માં નિવૃત્ત થયેલા ગુજરાત સરકારના એડિશનલ ચીફ સેક્રેટરી(IAS)ની પુત્રી શિક્ષણ જગત સાથે સંકળાયેલી હતી. પિતાની સેવા કરવા માટે તે તાજેતરમાં જ ગાંધીનગર રહેવાં આવી હતી. ગાંધીનગરની એક પ્રતિષ્ઠિત શાળામાં તે એડવાઈઝરી મેમ્બર તરીકે સેવા આપતી હતી. આશરે ચાર મહિના પહેલા, શાળાના જ એક સ્ટાફ મેમ્બરના 'બીગલ' બ્રીડના શ્વાનને રમાડતી વખતે તેમને શ્વાન કરડ્યું હતું. ઘરમાં પણ પાલતુ શ્વાન હોવાથી તેણે આ ઘટનાને સામાન્ય ગણી હતી અને સમયસર રેબીઝની રસી (Anti-Rabies Vaccine) લેવાનું ટાળ્યું હતું.
ડિસેમ્બરના અંત સુધી આ મહિલામાં હડકવાના લક્ષણો (હાઈડ્રોફોબિયા) દેખાવા લાગ્યા હતા. તબિયત લથડતા તેને 30 ડિસેમ્બરે અમદાવાદના ભાટ સર્કલ પાસેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. 19 દિવસની લાંબી અને પીડાદાયક સારવાર બાદ, 17 જાન્યુઆરી 2026 ના રોજ વહેલી સવારે તેમનું અવસાન થયું હતું.
ઉલ્લેખનીય છે કે, અગાઉ એક મહિલાને આ શ્વાન કરડ્યું હતું, તેનું 17 ઓક્ટોબર 2025ના રોજ હડકવાના લક્ષણો સાથે મોત થયું હતું. આ ઘટના બાદ શાળા પ્રશાસને તાત્કાલિક તમામ સ્ટાફ અને વાલીઓને મેસેજ કરી જાણ કરી હતી ,કે જો કોઈ આ શ્વાનના સંપર્કમાં આવ્યું હોય તો રસી મુકાવી લે. જોકે, કમનસીબે મહિલાએ ત્યારે પણ રસી લીધી નહોતી.
હડકવાના લક્ષણો કેવા હોય છે?
શ્વાન કરડે અને સમયસર હડકવાના ઇન્જેક્શન ન લેવામાં આવે તો પીડિત વ્યક્તિ હડકવાનો શિકાર બને છે. હડકવાનો શિકાર બનેલી વ્યક્તિને જ્યાં શ્વાન કરડ્યું હોય ત્યાં ઝણઝણાટી થાય છે. શરીરમાં તીવ્ર દુખાવો થાય છે. બોલવામાં મુશ્કેલી થાય છે અને લકવા જેવું લાગે છે. વ્યક્તિને લાળ અથવા આંસુ આવવા લાગે છે. તેને હવા અને પાણીનો ડર લાગવા માંડે છે. પીડિત વ્યક્તી ચીડિયાપણું અનુભવે છે અને જોરથી અવાજ કરીને ગુસ્સા સાથે બોલે છે. તે કોઈપણ વ્યક્તિ પર હુમલો કરી દે છે.