ભારતના રાષ્ટ્રીય પર્વો એટલે કે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના ગર્વથી તિરંગો લહેરાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે આ બંને દિવસોમાં ઝંડો લહેરાવવાની પદ્ધતિ અને તેના નિયમોમાં મોટો તફાવત છે? આ તફાવત એ ભારતની આઝાદી અને બંધારણની ગૌરવ ગાથાને દર્શાવે છે? ચાલો તમને આ વિશે વિસ્તારથી જણાવીએ...
આ વર્ષે ભારત 26મી જાન્યુઆરીના રોજ 77મો પ્રજાસત્તાક દિવસ ઉજવવા જઈ રહ્યો છે. દિલ્હીના કર્તવ્ય પથ પર ભવ્ય પરેડની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. પરંતુ શું તમને ખ્યાલ છે કે સ્વતંત્રતા દિવસ અને પ્રજાસત્તાક દિવસ પર ધ્વજ લહેરાવવાની પ્રક્રિયામાં પાયાનો તફાવત છે? ડોન્ટ વરી જો તમને પણ આ તફાવત વિશે ના ખબર હોય તો આજે આ સ્ટોરીમાં આપણે એ વિશે જ વાત કરવા જઈ રહ્યા છીએ.
ધ્વજારોહણ અને ધ્વજ લહેરાવવા વચ્ચે શું છે તફાવત?
15મી ઓગસ્ટ (સ્વતંત્રતા દિવસ): આ દિવસે તિરંગાને સ્તંભની નીચે દોરડા વડે ખેંચીને નીચેથી ઉપર લઈ જવામાં આવે છે અને પછી લહેરાવવામાં આવે છે. તેને 'ધ્વજારોહણ' કહેવામાં આવે છે. આને અંગ્રેજોના ધ્વજ નીચે ઉતારવા અને ભારતીય તિરંગો ઉપર ચઢાવવા એટલે કે આઝાદીનું પ્રતીક છે.
26મી જાન્યુઆરીના દિવસે તિરંગો સ્તંભના ઉપરના ભાગે જ બાંધવામાં આવે છે અને એ દિવસે દોરડું ખેંચીને માત્ર ખોલવામાં આવે છે, જેને ધ્વજ લહેરાવવો કહેવામાં આવે છે. જે ભારત પ્રજાસત્તાક અને બંધારણીય રાષ્ટ્ર બન્યું હોવાનું દર્શાવે છે.
15મી ઓગસ્ટના પીએમ કરે છે ધ્વજારોહણ
15મી ઓગસ્ટના આ દિવસે દેશના વડા પ્રધાન લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવે છે, કારણ કે 1947માં આઝાદી વખતે બંધારણ લાગુ નહોતું કરવામાં આવ્યું અને રાષ્ટ્રપતિનું પદ અસ્તિત્વમાં નહોતું. વડા પ્રધાન દેશના વહીવટી વડા છે અને એટલે 15મી ઓગસ્ટના રોજ દેશના વડા પ્રધાન દ્વારા ધ્વજવંદન કરવામાં આવે છે.
26મી જાન્યુઆરીના રાષ્ટ્રપતિ લહેરાવે છે તિરંગો
વાત કરીએ 26મી જાન્યુઆરીના ધ્વજવંદનની તો 26મી જાન્યુઆરીના દેશના રાષ્ટ્રપતિ દ્વારા તિરંગો લહેરાવવામાં આવે છે, કારણ કે રાષ્ટ્રપતિ એ ભારતના બંધારણીય વડા છે અને આ જ દિવસે 1950માં ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદે શપથ લીધા હતા એટલે આ દિવસે દેશના રાષ્ટ્રપતિ ધ્વજવંદન કરે છે.
છે ને એકદમ અનોખી માહિતી? આ માહિતી તમારા મિત્રો અને પરિવારના સભ્યો સાથે શેર કરીને તેમના જનરલ નોલેજમાં વધારો કરજો હં ને? આવી જ બીજી માહિતી જાણવા માટે અમારી સાથે ચોક્કસ જોડાયેલા રહો...