ઢાંકા: બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુ સમુદાય વિરુદ્ધ હિંસાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, જેના કારણે ત્યાં વસતા હિન્દુઓમાં ભય અને અસુરક્ષાની લાગણી જન્મી છે. છેલ્લા બે દિવસમાં બે અલગ-અલગ જિલ્લાઓમાં બે હિન્દુ વ્યક્તિઓની હત્યાના સમાચાર સામે આવ્યા છે. આ ઘટનાઓને પગલે સ્થાનિક વિસ્તારોમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. સામાન્ય બોલાચાલી અને વિવાદોમાં હિન્દુઓને નિશાન બનાવવાની પ્રવૃત્તિએ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા જગાડી છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શનિવારે સવારે ગાઝીપુર જિલ્લાના કાલિગંજમાં એક ચોંકાવનારી ઘટના બની હતી. અહીં 'બોઈશાખી સ્વીટ એન્ડ હોટલ' ચલાવતા 60 વર્ષીય લિટન ચંદ્ર ઘોષ ઉર્ફે કાલીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. હોટલના કર્મચારી સાથે ગ્રાહકની સામાન્ય તકરાર થઈ હતી, જેમાં વચ્ચે પડવું લિટનભાઈને ભારે પડ્યું હતું. હુમલાખોરોએ તેમના પર લાતો-મૂક્કા અને પાવડા (બેલચા) વડે જીવલેણ હુમલો કર્યો હતો, જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આ મામલે ત્રણ શકમંદોની અટકાયત કરી છે.
આ પહેલા શુક્રવારે રાજબારી જિલ્લામાં અન્ય એક હિન્દુ યુવકની હત્યા કરવામાં આવી હતી. 30 વર્ષીય રિપન સાહા, જે એક પેટ્રોલ પંપ પર કામ કરતો હતો, તેને એક વાહન ચાલકે જાણીજોઈને ગાડી નીચે કચડી નાખ્યો હતો. ઘટનાનું કારણ માત્ર એટલું જ હતું કે વાહન ચાલકે ઈંધણ ભરાવ્યા બાદ પૈસા આપવાની ના પાડી હતી અને જ્યારે રિપને તેને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના પર ગાડી ચઢાવી દેવામાં આવી હતી. આ કેસમાં પોલીસ દ્વારા વાહન માલિક અને ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી છે.
રાજબારી હત્યા કેસમાં ઝડપાયેલો વાહન માલિક અબુલ હાશેમ બાંગ્લાદેશ નેશનલિસ્ટ પાર્ટી (BNP) નો સ્થાનિક નેતા હોવાનું બહાર આવ્યું છે, જેના કારણે આ કેસમાં રાજકીય ગરમાવો પણ આવ્યો છે. હિન્દુ સમુદાય અને માનવાધિકાર સંગઠનો આ ઘટનાઓની કડક શબ્દોમાં નિંદા કરી રહ્યા છે અને દોષિતોને કડક સજા આપવાની માંગ કરી રહ્યા છે. બાંગ્લાદેશમાં સતત બનતી આવી ઘટનાઓ લઘુમતીઓની સુરક્ષા પર ગંભીર પ્રશ્નાર્થ ચિહ્ન મૂકે છે.