Tue Jan 20 2026

Logo

White Logo

ડિઝીટલ અરેસ્ટ કેસ વડોદરા ધરપકડ : દિલ્હી પોલીસે રૂપિયા 14.85 કરોડના ડિઝીટલ અરેસ્ટ કેસમાં વડોદરામાંથી બે લોકોની ધરપકડ કરી

1 day ago
Author: Chandrakant Kanoja
Video

વડોદરા : દિલ્હી પોલીસે ગુજરાતમાંથી બે આરોપીની ધરપકડ કરી હતી, આ લોકો પર એનઆરઆઈ દંપતીને ડિઝીટલ અરેસ્ટ કરીને 14.85  કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે. બંને આરોપીઓની વડોદરાથી ધરપકડ કરવામાં આવી હતી. તેમને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર દિલ્હી લાવવામાં આવ્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપીઓની ઓળખ દિવ્યાંગ પટેલ (28) અને કૃતિક શિતોલે (26) તરીકે થઈ છે. છેતરપિંડીની કુલ રકમમાંથી 4 કરોડ રૂપિયા દિવ્યાંક પટેલના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા.

ડોક્ટર દંપતીને કથિત રીતે 'ડિજિટલ અરેસ્ટ' હેઠળ રાખવામાં આવ્યા

આ અંગે અધિકારીઓએ જણાવ્યું હતું કે દિલ્હીની એક કોર્ટે બાદમાં બંને આરોપીઓને પૂછપરછ માટે બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલ્યા હતા. આ કેસ ગ્રેટર કૈલાશમાં રહેતા એક વૃદ્ધ ડોક્ટર દંપતીને કથિત રીતે 'ડિજિટલ અરેસ્ટ' હેઠળ રાખવામાં આવ્યા હતા અને મોટી રકમ ટ્રાન્સફર કરવાની ફરજ પાડવામાં આવી હતી.

આ તપાસ દરમિયાન પોલીસે ખુલાસો કર્યો હતો કે, ગયા વર્ષે 29 ડિસેમ્બરે ₹14.85 કરોડમાંથી આશરે ₹4 કરોડ દિવ્યાંગ પટેલ દ્વારા સંચાલિત NGOના નામે નોંધાયેલા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. પોલીસે જણાવ્યું હતું કે પાછળથી તેમણે પકડાઈ જવાથી બચવા માટે પૈસા અનેક બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કર્યા હતા. તપાસમાં બહાર આવ્યું કે NGO નકલી હતો અને તેનું કોઈ ધર્માર્થ કાર્ય નહોતું.

છેતરપિંડી કરનારાઓને NGOના બેંક ખાતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી

પોલીસના જણાવ્યા અનુસાર, દિવ્યાંગ પટેલે કમિશનના બદલામાં છેતરપિંડી કરનારાઓને NGOના બેંક ખાતાનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. અન્ય એક આરોપી ક્રુતિક શિતોલે, મધ્યસ્થી તરીકે કામ કર્યું હતું અને દિવ્યાંગ પટેલ અને નેટવર્કના અન્ય સભ્યો વચ્ચે સંપર્ક સ્થાપિત કરવામાં મદદ કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે ગુનાની રકમ ઘણા રાજ્યોમાં બેંક ખાતાઓ દ્વારા ટ્રાન્સફર કરવામાં આવી હતી. પોલીસે જણાવ્યું હતું કે ગેંગના અન્ય સભ્યોને ઓળખવા અને બાકીની રકમ શોધવા માટે તપાસ ચાલુ છે.

દંપતીએ 15 દિવસમાં 14.85 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતના સૌથી મોંઘા "ડિજિટલ અરેસ્ટ" કૌભાંડોમાંના એકે આ દંપતીની જીવનભરની કમાણી બરબાદ કરી દીધી હતી, કારણ કે તેઓએ લગભગ 15 દિવસમાં 14.85 કરોડ રૂપિયા ગુમાવ્યા હતા. એક જ ફોન કોલે ભારતમાં તેમના સપના ચકનાચૂર કરી નાખ્યા હતા, અને તેઓ હાલ તેઓ તેમના પૈસા પાછા મેળવવા માટે લડી રહ્યા છે.