જૂનાગઢ: જિલ્લાના ચોરવાડ પોલીસ સ્ટેશન હેઠળ આવતા ગડુ ગામમાં તસ્કરોએ કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડાડતી સનસનીખેજ લૂંટને અંજામ આપ્યો હતો. વહેલી સવારે ચાર અજાણ્યા લૂંટારુઓએ એક મકાનને નિશાન બનાવી, વૃદ્ધ મકાનમાલિકને બંધક બનાવી ગોંધી રાખ્યા હતા. તસ્કરોએ વૃદ્ધને માર મારીને અંદાજે 10 તોલા સોનાના દાગીના સહિત કુલ રૂ. 8.06 લાખની મતાની લૂંટ ચલાવી પલાયન થઈ ગયા હતા. આ ઘટનાને પગલે શાંતિનગર સહિત સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો છે.
મળતી વિગતો અનુસાર, સિનિયર સિટીઝન સતીશગીરી ગોસ્વામી પોતાના ઘરે સૂતા હતા ત્યારે તસ્કરોએ મકાનની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો. ગ્રીલ તૂટવાનો અવાજ આવતા સતીશગીરી જાગી ગયા હતા, પરંતુ લૂંટારુઓએ તેમને કંઈ પણ સમજવાનો મોકો આપ્યા વગર પકડી લીધા હતા. ત્રણ શખસોએ વૃદ્ધને પકડી રાખી માર માર્યો હતો અને દાગીના તેમજ રોકડ વિશે ધમકાવી પૂછપરછ કરી હતી. લૂંટારુઓ ઘરમાંથી અંદાજે 10 તોલાથી વધુના સોનાના દાગીના અને અગત્યના દસ્તાવેજોની લૂંટ કરી નાસી છૂટયા હતા.
બનાવની જાણ થતા જ માંગરોળ ડીવાયએસપી, ચોરવાડ પી.આઈ. અને પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ ડોગ સ્ક્વોડ, એફ.એસ.એલ. અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતોની મદદથી વૈજ્ઞાનિક પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી હતી. લૂંટારુઓને પકડવા માટે અલગ-અલગ ટીમોની રચના કરવામાં આવી હતી અને હાલ ચોરવાડ પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારોની મદદથી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી.