નવી દિલ્હી/ઢાકા: બંગ્લાદેશમાં ચીની રાજદૂત યાઓ વેનએ બંગ્લાદેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) ડૉ. ખલીલુર રહમાન સાથે મુલાકાત કરી છે. આ મુલાકાત ભારત માટે ચિંતાનો વિષય બની શકે છે. આ મુલાકાતમાં ખાસ કરીને ‘તીસ્તા નદી વ્યાપક વ્યવસ્થાપન અને પુનઃસ્થાપન પ્રોજેક્ટ’ પર વિગતવાર ચર્ચા થઈ છે. તીસ્તા નદી પ્રોજેક્ટ જો ચીનને મળે છે તો આ ભારત માટે ઘણી મુશ્કેલી સર્જાઈ શકે છે. આ મુલાકાત ભારત માટે ચેતવણીનું કારણ બની છે, કારણ કે તિસ્તા પ્રોજેક્ટ ફક્ત પાણીનું વ્યવસ્થાપન નથી, પરંતુ રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલો એક મહત્વનો મુદ્દો છે.
ચીન કેમ તિસ્તા નદી પ્રોજેક્ટ પાછળ પડ્યું છે?
આ મુલાકાત દરમિયાન ચીનના રાજદૂતે તિસ્તા નદી પ્રોજેક્ટ વિસ્તારની મુલાકાત લેવાની જાહેરાત પણ કરી છે. આ પ્રોજેક્ટ ભારતના 'ચિકન્સ નેક' કોરિડોર માટે જોખમી સાબિત થઈ શકે છે. આવું શા કારણ? તો ચીન એક રીતે ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરતું આવ્યું છે, અને હવે ચીન જો તિસ્તા નદી પ્રોજેક્ટ પર કામ કરશે તો બાંગ્લાદેશમાંથી જાસૂસી કરી શકે છે. જેના કારણે ભારત-બાંગ્લાદેશ સરહદ પર શું હરકત થઈ રહી છે તેના પર ચીન નજર રાખશે. આ પ્રોજેક્ટ લેવા માટે ચીને બાંગ્લાદેશને એક મોટી ઓફર પણ આપી છે. બની શકે કે, બાંગ્લાદેશ પોતાની વર્તમાન સ્થિતિને જોતા આ પ્રોજેક્ટ માટે ચીનની વાતનો સ્વીકાર પણ કરી લે!
ભારતીય સરહદ મુદ્દે જાસૂસી કરવાનો ભય વધશે
તીસ્તા નદી પ્રોજેક્ટના મહત્વની વાત કરવામાં આવે તો તિસ્તા નદી ભારતના પશ્ચિમ બંગાળ અને સિલિગુડી કોરિડોરની નજીકથી વહે છે, જે 'ચિકન નેક' તરીકે ઓળખાય છે. આ કોરિડોર ભારતના મુખ્ય ભાગને પૂર્વોત્તરના આઠ રાજ્ય સાથે જોડે છે. જો ચીન આ પ્રોજેક્ટ મેળવે તો ચીની ઇજનેરો અને તકનીકી નિષ્ણાતો ભારતીય સરહદની નજીક તૈનાત થઈ જશે અને તેના કારણે જાસૂસી અને નિગરાનીનો ભય વધી શકે છે. ભારતે લાંબા સમયથી બંગ્લાદેશને આ પ્રોજેક્ટ માટે પોતાની મદદનો પ્રસ્તાવ આપ્યો છે, જેથી ચીનને દૂર રાખી શકાય, પરંતુ તેનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. જેથી ચીન આ તકનો લાભ લઈ રહ્યું છે.
બાંગ્લાદેશને 1 અબજ ડોલરની લોનની ઓફર
બંગ્લાદેશમાં રાજકીય અસ્થિરતા અને યુનુસ સરકારના સમયમાં ચીન હવે કૂટનીતિ ઘડી રહ્યું છે. ચીને આ પ્રોજેક્ટ માટે બાંગ્લાદેશને 1 અબજ ડોલરની લોનની ઓફર આપી છે, જેમાં નદીની ઊંડાઈ વધારવી, જળાશયો બનાવવા અને પૂર નિયંત્રણ જેવા કાર્યોનો સમાવેશ થાય છે. ચીન કોઈ પણ ભોગે આ પ્રોજેક્ટ લેવા માટે મથામણ કરી રહ્યું છે. કારણ કે, આ નદીનો વિસ્તાર ભારત માટે ખૂબ જ મહત્વનો છે, અને મોટી વાત એ છે કે, ચીનને આ વાતની જાણ છે. એટલે ભારતને નબળું પાડવા માટે ચીનની આ એક ચાલ છે.
ભારત-બંગ્લાદેશ વચ્ચે તીસ્તા નદી મુદ્દે વિવાદ?
મૂળ વાત એ છે કે ભારતના માત્ર વિદેશી દુશ્મનો નથી, કેટલાક અંદરથી પણ આ દેશને કોરી ખાય છે. ભારત-બંગ્લાદેશ વચ્ચે તીસ્તા પાણી વહેંચણીનો વિવાદ પશ્ચિમ બંગાળના કારણે લટકેલો છે, પશ્ચિમ બંગાળ વારંવાર આ મુદ્દે વિરોધ કરતું આવ્યું છે, જેનો હવે ફાયદો ચીન ઉઠાવી રહ્યું છે. આ પ્રોજેક્ટથી ચીન બંગ્લાદેશને પોતાના તરફ કરવા માંગે છે અને ભારતના પ્રભાવને ઘટાડવાનો પ્રયત્ન કરી રહ્યું છે.
જાણકારી એવી પણ છે કે, ચીન યુનુસને આગામીન ચૂંટણી માટે પણ મદદ કરી શકે છે. ચીની રાજદૂતે આગામી રાષ્ટ્રીય ચૂંટણીઓ અને લોકશાહી સંક્રમણનો ઉલ્લેખ કર્યો તે ભારત માટે ચિંતાજનક છે. ચીને આ પહેલા પણ આ પ્રોજેક્ટ માટે પ્રયત્ન કર્યો હતો. પરંતુ ત્યારે શેખ હસીનાની સરકાર હતી એટલે કામ થયું નહોતું.