Tue Jan 20 2026

Logo

White Logo

‘...તો ઘર વાપસી કરો’  એ. આર. રહેમાનના નિવેદન અંગે : ભાજપ અને VHPની આકરી પ્રતિક્રિયા

1 day ago
Author: Savan Zalariya
Video

મુંબઈ: ભારતના ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાને એક ઈન્ટરવ્યું દરમિયાન કરેલી એક ટીપ્પણીને કારણે વિવાદ ઉભો થયો છે, તેમણે દાવો કર્યો હતો કે કોમવાદને કારણે છેલ્લા આઠ વર્ષમાં તેમને બોલિવૂડમાં કામ મળવાનું ઓછું થઇ ગયું છે. શાસક પક્ષ ભાજપ અને હિન્દુત્વવાદી સંગઠન વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના આગેવાનો તરફથી રહેમાનની આ ટીપ્પણી અંગે પ્રતિક્રિયા આપવામાં આવી છે. 

એક ઇન્ટરવ્યુ દરમિયાન એ આર રહેમાને કહ્યું હતું કે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં "સત્તા પરિવર્તન"ને કારણે તાજેતરના વર્ષોમાં તેમને મળતા કામમાં ઘટાડો થઈ રહ્યો છે. રહેમાને કહ્યું, "જે લોકો ક્રિએટિવ નથી, તેમને નિર્ણય લેવાની સત્તા મળી ગઈ છે અને આ એક કોમવાદી બાબત પણ હોઈ શકે છે.” 

રહેમાને કહ્યું કે બોલીવુડના કોમવાદીકરણ પ્રોજેક્ટ્સ અંગે તેમણે વાતો સાંભળી છે. 

ભાજપે આપી પ્રતિક્રિયા:
કેન્દ્રીય પ્રધાન જી કિશન રેડ્ડીએ રહેમાનના દાવાને નકારી કાઢ્યો છે. તેમણે કહ્યું કે કામમાં ઘટાડા થવા પાછળ ધર્મની ભૂમિકા હોવા અંગે રહેમાના સૂચનો ખોટા અને દુર્ભાગ્યપૂર્ણ છે.
તેમણે લખ્યું, “પોતે મુસ્લિમ હોવાને કારણે ફિલ્મ મ્યુઝિક ઇન્ડસ્ટ્રી તેમને કામ મળી રહ્યું નથી, એવી ટિપ્પણી સંપૂર્ણપણે અયોગ્ય છે. દેશે તેમને દેશના નંબર વન મ્યુઝિક ડાયરેક્ટ તરીકે સન્માન આપ્યું છે અને તેમને સ્વીકાર્યા છે.  દેશના લોકોએ ક્યારેય એ.આર. રહેમાનને ધર્મના દ્રષ્ટિકોણથી જોયા નથી. દુર્ભાગ્યપૂર્ણ છે કે તેમણે ધર્મ અંગે આવી ટિપ્પણી કરી."

...તો ઘર વાપસી કરો:
VHP ના રાષ્ટ્રીય પ્રવક્તા વિનોદ બંસલે રહેમાન આકરા પ્રહારો કર્યા છે. બંસલે કહ્યું, "એવું લાગી રહ્યું છે કે અગાઉ ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારી જે જૂથની આગેવાની કરતા હતાં, તેની આગેવાની હવે એઆર રહેમાન કરી રહ્યા છે. હામિદ અન્સારીએ 10 વર્ષ સુધી બંધારણીય પદ પર રહ્યા અને તમામ લાભો મેળવ્યા. નિવૃત્તિ લેતી વખતે, તેમણે ભારતને વખોડ્યું હતું.”

રહેમાન સામે સવાલ ઉઠાવતા બંસલે કહ્યું, "હિંદુઓ સહીત તમામ ભારતીયોએ તેમને પ્રેમ કર્યો. તેમને કામ નથી મળી રહ્યું એ માટે આત્મમંથન કરવાને બદલે તેઓ સિસ્ટમને ખરાબ કહી રહ્યા અછે અને સમગ્ર ઇન્ડસ્ટ્રીને બદનામ કરી રહ્યા છે. તેઓ શું સાબિત કરવા માંગે છે?"

રહેમાનના ધર્મપરિવર્તન અંગે સવાલ કરતા બંસલે જણાવ્યું કે, "તેઓ પોતે એક સમયે હિન્દુ હતા. તેમણે ઇસ્લામ ધર્મ કેમ અપનાવ્યો? હવે 'ઘરવાપાસી' કરો, કદાચ તમને ફરી એકવાર કામ મળવાનું શરૂ થશે. રાજકારણી આવા ક્ષુલ્લક નિવેદનો આપી શકે છે, પણ કલાકારને આ શોભતું નથી."