Tue Jan 20 2026

Logo

White Logo

ટેક્નોલોજીના યુગમાં ગોખણિયા જ્ઞાનનો અંત, : પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપવા રાજ્ય સરકારની નવતર પહેલ

2 days ago
Author: Vimal Prajapati
Video

ધોરણ 1 અને 2ના બાળકો માટે 74,000થી વધુ "જાદુઈ પીટારા" આપવાની પ્રક્રિયા શરૂ કરાઈ

ગાંધીનગરઃ આજના ટેક્નોલોજીના યુગમાં બાળકો માત્ર પુસ્તકો આધારિત શિક્ષણ નહિ, પણ રમત-ગમત અને પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ લઈ શકે તે માટે કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને રાજ્ય સરકાર દ્વારા એક નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2ના  બાળકો માટે 74 હજારથી વધુ ‘જાદુઈ પીટારા’ આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ ‘જાદુઈ પીટારા’નો રાજ્યના 12.35 લાખથી વધુ વિધાર્થીઓને સીધો લાભ મળશે.

રાજ્ય સરકાર દ્વારા ‘જાદુઈ પીટારા’ની નવતર પહેલ

દેશના બાળકો ગોખણિયું શિક્ષણ છોડી પ્રવૃત્તિલક્ષી શિક્ષણ મેળવે તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ‘જાદુઈ પીટારા’ની નવતર પહેલ શરૂ કરવામાં આવી છે. આ જાદુઈ પીટારા ગુજરાતની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓને આપનારું ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બનશે તેમ, શિક્ષણ વિભાગની યાદીમાં જણાવાયું છે.

બાળકોને હવે જાદુઈ પીટારાથી પ્રવૃત્તિલક્ષી શિક્ષણ આપવામાં આવશે

યાદીમાં વધુમાં જણાવાયું છે કે, આ જાદુઈ પીટારા થકી સરકારી શાળાના બાળકોને ગોખણિયું શિક્ષણ નહીં, પરંતુ ભાર વિનાનું ભણતર, લાંબા ગાળા સુધી યાદ રહે તે પ્રકારની પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવાનો રાજ્ય સરકારનો એક સરાહનીય પ્રયાસ છે. આ ઉપરાંત નેશનલ એજ્યુકેશન પોલિસી NEP-2020 અને નિપુણ ભારત મિશનના લક્ષ્યોને ધ્યાને લઇ NCERT, ભારત સરકાર દ્વારા નિર્મિત જાદુઈ પીટારા બાલવાટિકા તેમજ ધોરણ 1 અને 2ના વર્ગખંડોમાં આપવામાં આવી રહ્યા છે.

નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ને ધ્યાને રાખવામાં આવી
 
આ જાદુઈ પીટારા નેશનલ એજ્યુકેશન પોલિસી 2020ને ધ્યાને લઇ ટોય બેઝ પેડાગોજી આધારિત પ્રવૃત્તિ દ્વારા જ્ઞાન માટે વિશેષ નિર્માણ કરવામાં આવ્યું છે. આમાં રમત, કલા, સંગીત, નવાચાર, પ્રવૃત્તિ- પ્રોજેક્ટ, સહપાઠી શિક્ષણ, મહાવરો, મૂલ્યાંકન જેવા વિવિધ 30 જેટલી સામગ્રી સાથે તેના ઉપયોગ અંગેની માર્ગદર્શિકા પણ આપવામાં આવી છે. આ પોલિસી હેઠળ શિક્ષકોને પણ બાળકોના સર્વાંગી વિકાસ માટેના અસરકારક વર્ગખંડ વ્યવહાર માટેનું વાતાવરણ પૂરું પાડવા અર્થે વિવિધ સંસાધનો પ્રાપ્ત કરાવવામાં આવી રહ્યા છે. આ જાદુઈ પીટારામાં સંગીતના સાધનો, રમત-ગમતના સાધનો,પપેટ્સ, મણકા,શૈક્ષણિક રમકડાં, પઝલ, રસોડા સેટ જેવી અનેક સામગ્રીનો સમાવેશ કરવામાં આવેલ છે.