Tue Jan 20 2026

Logo

White Logo

શિંદેના નગરસેવકો મુંબઈમાં ભાજપનો મેયર નથી ઈચ્છતા, : પડદા પાછળ ઘણું બધુ રંધાઈ રહ્યું છે: રાઉતનો દાવો

12 hours ago
Author: Sapna Desai
Video

(અમારા પ્રતિનિધિ તરફથી) 
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકામાં પોતાનો મેયર બેસાડવા માટે ભાજપે કમર કસી નાખી હતી. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૮૯ નગરસેવક સાથે સૌથી મોટો પક્ષ હોવા છતાં બહુમતીથી વંચિત થઈ ગયો છે અને મેયર બેસાડવા ૧૧૪ વોટની જરૂર છે અને તે માટે શિંદેની સેનાનું સમર્થન જરૂરી છે પણ શિંદેના નવા ચૂંટાયેલા નગરસેવકો હાલ મુંબઈની એક પોશ હોટલમાં પ્રશિક્ષણને નામે બધાથી દૂર રાખવામાં આવ્યા છે ત્યારે  શિવસેના (યુબીટી)ના સાંસદ અને પ્રવક્તા સંજય રાઉતે એવો દાવો કર્યો છે શિંદેના નવા ચૂંટાયેલા નગરસેવકો ભાજપનો મેયર બને એવું નથી ઈચ્છતા અને પડદા પાછળ ઘણા ઘટનાક્રમ ઘટિત થઈ રહ્યા છે કહીને રાજકીય સ્તરે ફરી એક વખત ખળભળાટ મચાવી દીધો છે.

સંયુક્ત શિવસેના સાથે છેડો ફાડીને વિધાનસભ્યોને ગુવાહાટી લઈને જનારા ડેપ્યુટી ચીફ મિનિસ્ટર એકનાથ શિંદેને હવે તેમના નવા ચૂંટાયેલા ૨૯ નગરસેવકને અન્ય પક્ષો પોતાની તરફ ખેંચી નહીં જાય તેવો ડર સતાવે છે. એટલે જ તેમને મુંબઈની એક પોશ હોટલમાં ચાર દિવસ માટે પ્રશિક્ષણને નામે બધાથી દૂર રાખ્યા છે ત્યારે આ નવા ચૂંટાયેલા નગરસેવકોને ભાજપનો મેયર નથી જોઈતો એવો દાવો શિવસેના યુબીટીના નેતા સંજય રાઉતે કર્યો છે.

શિંદેની સેનાના નગરસેવકોને પ્રશિક્ષણને નામે હોટલમાં રાખવામાં આવ્યા છે એ બાબતે સંજય રાઉતે કહ્યું હતું કે જો નગરસેવકોને હોટલમાં ‘લોક-અપ’માં રાખવામાં આવ્યા હોય તો સંદેશા મોકલવા અને પ્રાપ્ત કરવા માટે સંદેશ વ્યવહારના વિવિધ સ્રોત છે. જો નગરસેવકોને ‘લોક-અપ’માં રાખવામાં આવ્યા છે તો તેમને મુક્ત કરવા જ જોઈએ.

મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પૂરી થઈને પરિણામ આવી ગયા બાદ હવે મેયરપદની રેસમાં કોઈ આગળ છે તેની ચર્ચાઓ અને શિંદેને નગરસેવકો ફૂટી જવાનો ડર વચ્ચે તેમને હોટલમાં રાખવાના આખા ઘટનાક્રમ વચ્ચે સંજય રાઉતે શિંદેના નગરસેવકો બાબતે ટિપ્પણી કરી છે તેથી  રાજકીય સ્તરે અવિભાજિત શિવસેના નગરસેવકો શુંં ઘરવાપસી કરશે એવા સવાલ થઈ રહ્યા છે. એ બાબતે  સંજય રાઉતે કહ્યું હતું કે શિંદેની સેનામાંથી ચૂંટાયેલા અનેક નગરસેવકો મૂળ તો અવિભાજિત શિવસેનાના છે અને મારી સમજ છે ત્યાં સુધી એ તમામ  લોકો એવું જ ઈચ્છે છે કે મુંબઈ મહાનગરપાલિકામાં ભાજપનો મેયર ચૂંટાય નહીં.

મુંબઈ  મહાનગરપાલિકામાં ભાજપનો  મેયર બને એવું ખુદ એકનાથ શિંદે પણ નથી ઈચ્છતા એવો દાવો પણ સંજય રાઉતે કર્યો હતો. આ અગાઉ શનિવારે શિવસેના (યુબીટી)ના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરેએ ‘દેવા’ની ઈચ્છા હશે તો મુંબઈમાં શિવસેના (યુબીટી)નો મેયર પણ બનશે એવી ટિપ્પણી કરી હતી. તેમની આ ટિપ્પણી સામે જોકે ફડણવીસે જાહેરમાં એવી મજાક કરી હતી કે તેમણે શું ‘દેવા’ સાથે યુતિ કરી હતી કે ‘દેવા’થી પણ કોઈ ઉપર છે. 

ઉદ્ધવ અને ફડણવીસની આ ટિપ્પણીથી રાજકીય ક્ષેત્રમાં એવી પણ ચર્ચા થઈ રહી છે પડદા પાછળ કંઈ અલગ જ રંધાઈ રહ્યું છે.  મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને દેવાભાઉ  તરીકે પણ ઓળખવામાં આવે છે એ સૌ કોઈ જાણે છે.  તેથી ઉદ્ધવની ‘દેવા’ની ઈચ્છા હશેના વિધાન પાછળ ભાજપ અને ઉદ્ધવની સેના કંઈ અલગ રમત તો નથી રમી એવી ચર્ચાએ પણ જોર પકડયું છે.

રાણેએ ઉદ્ધવની ઉડાવી ઠેકડી
મુંબઈના મેયર પદ માટે સંજય રાઉતના દાવા અને ઉદ્ધવ ઠાકરેએ ‘દેવા’ની ઈચ્છા હશે એવું વિધાન શનિવારે કર્યા બાદ ભાજપના સિનિયર નેતા નારાયણ રાણેએ બંનેની ટીકા કરતા કહ્યું હતું કે તેમની પાસે પૂરતી બેઠક નથી છતાં તેમને પોતાનો મેયર બેસાડવો છે. તેઓ ખોટા ભ્રમમાં જીવી રહ્યા છે. ઠાકરે પાસે બેઠકો નથી અને મેયર બેસાડવો છે. તેમણે હવે દેવી હસ્તક્ષેપ પર આધાર રાખવાનું શરૂ કરી દીધું છે. શું ઉદ્ધવે ભગવાન પર આધાર રાખવો પડે છે. તેમણે પહેલા કયારેય ભગવાન સામે હાથ જોડીને કામ કર્યું નથી. શું મેયર આકાશમાંથી ઊતરવાનો છે. તેમની પાસે પૂરતું સંખ્યા બળ નથી અને ભગવાનની મદદથી મેયર બનાવવા માગે છે એવી ઠેકડી પણ ઉડાવી હતી.