(અમારા પ્રતિનિધિ તરફથી)
રાજકોટ: રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથક પર વહેલી સવારે બે ટુ-વ્હીલર પર સવાર ચાર બુકાનીધારી શખસોએ સોડા બોટલોના ઘા કરી હુમલો કરતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ હતી. ફરજ પરના હેડ કોન્સ્ટેબલ અને હોમગાર્ડ જવાનની નજર સામે જ હિંસક હુમલો કરી રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ તરફ નાસી છૂટ્યા હતા. પોલીસ મથકના કમ્પાઉન્ડમાં કાચના ટુકડા વેરવિખેર થઈ ગયા હતા, જે બાદ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતી આ ઘટના અંગે તાત્કાલિક ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.
પોલીસ સ્ટેશન પર હુમલો કરી કાયદાને પડકાર ફેંકનાર તત્વોને ગાંધીગ્રામ પોલીસે ગણતરીના કલાકોમાં જ પાઠ ભણાવ્યો હતો. સીસીટીવી ફૂટેજ અને બાતમીદારોના આધારે પોલીસે તપાસ હાથ ધરતા આ હુમલા પાછળ કુખ્યાત બુટલેગર મહાજનના પુત્રની ગેંગ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જેનિસ મહાજન સહિત પાંચ આરોપીની પોલીસે કરી અટકાયત કરી હતી. પોલીસ તમામ આરોપીને ઝડપીને હાથમાં હાથકડી પહેરાવી અને દોરડેથી બાંધીને રૈયા ચોકડી, નાણાવટી ચોક સહિતના વિસ્તારોમાં ફેરવ્યા હતા. આ દમરિયાન આરોપીઓ "પોલીસ અમારા દાદા છે" કહેતા નજરે પડ્યા હતા.
શું હતો સમગ્ર બનાવ?
શનિવારે રાજકોટના ગાંધીગ્રામ પોલીસ મથકને જ નિશાન બનાવી વહેલી સવારે 4 અજાણ્યા બુકાનીધારી શખસોએ સોડા બોટલના ઘા કરતા સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી ગઈ હતી. આ હુમલાની ઘટનાને પગલે હેડ કોન્સ્ટેબલ રાહુલ બારૈયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલ ઉઠાવતા તત્વો સામે તપાસનો ધમધમાટ તેજ કર્યો હતો.
મળતી વિતગો અનુસાર રાત્રે ઇન્વેસ્ટિગેશન રૂમમાં ફરજ પર તૈનાત રાહુલભાઈને અચાનક પોલીસ સ્ટેશનના મેઈન ગેટ પાસે કાચ ફૂટવાનો જોરદાર અવાજ સંભળાયો હતો. દોડીને બહાર આવતા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડની ખુલ્લી જગ્યામાં અને બહારના ભાગે કાચની અનેક સોડા બોટલો તૂટેલી હાલતમાં મળી આવી હતી. પોલીસ મથક પર જ થયેલા આ હુમલાને પગલે તાત્કાલિક અન્ય સ્ટાફ પણ સતર્ક થઈ ગયો હતો અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરવામાં આવી હતી.
પોલીસ સ્ટેશનના ગેટ પાસે હાજર હોમગાર્ડ જવાન મહિપાલસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, બે ટુ-વ્હીલર પર સવાર ચાર શખસ મોઢે રૂમાલ બાંધીને આવ્યા હતા. તેમણે ચાલુ વાહને પોલીસ સ્ટેશન પર સોડા બોટલો ફેંકી હુમલો કર્યો હતો અને થોડીવારમાં રૈયા ટેલિફોન એક્સચેન્જ સર્કલ તરફ નાસી છૂટ્યા હતા. હાલ પોલીસે સીસીટીવી ફૂટેજ અને ફરિયાદના આધારે આ બુકાનીધારી શખ્સોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી હતી.