મુંબઈ/વસઈ: વસઈ-વિરાર વિસ્તારમાંથી મોટી સંખ્યામાં બોટો માછીમારી માટે ઊંડા દરિયામાં જતી હોય છે. તાજેતરમાં વસઈના પાછુબંદરની એક માછીમારી બોટ જ્યારે માછીમારી માટે ગઈ હતી, ત્યારે તેમને ઊંડા દરિયામાં પાણીના પ્રવાહનું એક મોટું વમળ બનેલું જોવા મળ્યું હતું. આ કુંડાળાનો વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના બાદ તંત્ર સતર્ક થઈ ગયું હતું. તેમ જ માછીમારોમાં પણ ચિંતાનું વાતાવરણ જોવા મળ્યું હતું.
વસઈ પશ્ચિમના અર્નાલા, વસઈ, નાયગાંવ, પાછુબંદર, કિલ્લાબંદર જેવા વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કોળી બાંધવો માછીમારીનો વ્યવસાય કરે છે. આ માટે માછીમારો પોતાની બોટ લઈને ઊંડા દરિયામાં જાય છે. તાજેતરમાં વસઈના પાછુબંદરની 'ઓમ નમઃ શિવાય' નામની માછીમારી બોટ, જે કૃષ્ણા મોરલીખાંડ્યાની માલિકીની છે, તે દરિયામાં માછીમારી માટે ગઈ હતી.
જીપીએસ ક્રમાંક ૨૦-૧૫-૫૫૪, ૭૧-૫૮-૫૭૬ પર માછીમારોને પાણીનું એક મોટું વમળ બનેલું જોવા મળ્યું હતું. તેમની બોટ થોડા સમય માટે આ જગ્યાએ ફસાઈ ગઈ હતી, પરંતુ એન્જિનની ગતિ વધારીને માછીમારો આ બોટને સુરક્ષિત બહાર લઈ આવ્યા હતા.
આ વમળનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. મત્સ્ય અધિકારીઓને આ અંગે જાણ કર્યા પછી, તેમણે આ બાબતે કોસ્ટ ગાર્ડ અને નૌકાદળને આ અંગે જાણ કરી હોવાનું જણાવ્યું હતું.
Due to the formation of a large circular water current in the deep sea near Vasai, panic has spread among fishermen. The exact reason behind the formation of this circular current is still unclear pic.twitter.com/W43UJrgP2X
— Suhas Birhade ↗️ (@Suhas_News) January 19, 2026
દરિયામાં બનેલી આ રિંગ છેલ્લા અઠવાડિયાથી આવી જ છે. આ રિંગ શા કારણે બની તે અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે. એક તરફ, એવી દલીલ કરવામાં આવી રહી છે કે પાલઘર વિસ્તાર ભૂકંપની સંભાવના ધરાવતો હોવાથી તો આવી રિંગ બની નથી ને. બીજી તરફ, માછીમારોમાં ચર્ચા થઈ રહી છે કે કોઈ ઓએનજીસી મશીનરી ત્યાં છે કે શું...?