Tue Jan 20 2026

Logo

White Logo

કચ્છમાં 11 પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા : કચ્છની જળસીમાએ માછીમારોના સ્વાંગમાં 11 પાકિસ્તાની ઘૂસણખોરો ઝડપાયા! આતંકવાદી કારસો?

1 month ago
Author: MayurKumar Patel
Video

(અમારા પ્રતિનિધિ તરફથી)

ભુજઃ એક તરફ ભારત-પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ભારે તંગદિલી સર્જાવા પામી છે અને બને દેશો વચ્ચે હાલ 'કોલ્ડ વોર' ચાલી રહ્યું છે તેવામાં ભારતીય તટરક્ષક દળ દ્વારા કચ્છના અરબી સમુદ્રની અત્યંત સંવેદનશીલ જળસીમા પાસેથી ૧૧ જેટલા પાકિસ્તાની ઘુસણખોરોને ઝડપી લેવાયા છે, જયારે કેટલાક નાસી છૂટ્યા હોવાની શંકાના આધારે સમગ્ર દરિયાઈ વિસ્તારમાં કોમ્બિંગ ઓપરેશન શરૂ કરી દેવાયું છે. 

મળતી સત્તાવાર માહિતી પ્રમાણે, તટરક્ષક દળ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન કચ્છની જળસીમામાં ઘુસી આવેલી 'અલ વલી' નામની માછીમારી બોટને ઝડપી પાડી હતી. આ બોટમાં નવ પુખ્ત વયના ખલાસીઓ અને બે સગીરનો સમાવેશ થાય છે. પ્રાથમિક તપાસ દરમિયાન બોટમાંથી માછીમારીનાં સાધનો, જાળ અને અનાજ-રાશન સહિતની સામગ્રી મળી આવી છે. જો કે, હાલના તબક્કે કોઈ શંકાસ્પદ કે વાંધાજનક વસ્તુ મળી નથી. કોસ્ટગાર્ડ દ્વારા આ તમામ ખલાસીઓ અને બોટને વધુ તપાસ અર્થે જખૌ બંદર ખાતે લાવવામાં આવ્યા છે. 

આ માછીમારો ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળ સીમામાં, ભારતીય સીમામાં ઘુસી આવીને માછીમારી કરી રહ્યા હતા. આમ તો થોડા સમય પહેલાં ભારત-પાકિસ્તાન વચ્ચે થયેલા એક કરાર મુજબ, જયારે જયારે અરસપરસની જળસીમામાં જો કોઈ માછીમારો ઘુસી આવે તો તેમની તલાશી લઇ, યોગ્ય પૂછપરછ કરી હોટ-લાઈન દ્વારા ભારતીય અને પાકિસ્તાની સુરક્ષા એજન્સી વચ્ચે વાતચીત થયા બાદ આવા પકડાયેલા માછીમારોને પાછા ભારતમાં કે પાકિસ્તાનની સરહદ પર છોડી દેવામાં આવે છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતાં માછીમારના સ્વાંગમાં કોઈ તાલીમબદ્ધ પાકિસ્તાની ત્રાસવાદી ભારતીય સીમામાં ઘુસી તો આવ્યા નથી ને? તે બાબત આકરી પૂછપરછ કરીને ચકાસવામાં આવે છે. તેથી આ તમામ માછીમારોને હાલ અટકમાં લઇ, તેની પૂછપરછ કરવામાં આવી રહી છે અને જો જરૂર પડશે તો તેમને ભુજ ખાતેના જોઈન્ટ ઇન્ટરોગેશન સેન્ટર ખાતે ખસેડવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દર વખતે સપ્ટેમ્બરથી જાન્યુઆરીના સમયગાળાની આસપાસ પાકિસ્તાન દ્વારા, માછીમારોના સ્વાંગમાં તાલીમબદ્ધ ત્રાસવાદીઓને ભારતની સરહદમાં ઘુસાડવાના પ્રયાસો કરાય છે અને આ વખતે પણ નાતાલ અને થર્ટી ફર્સ્ટ જેવાં પર્વો નજીક છે ત્યારે પાક.માછીમારો કચ્છની જળસીમાએ પકડાયા છે. પાકિસ્તાનની 'મોડ્સ-ઓપરેન્ડી' પ્રમાણે માછીમારોના સ્વાંગમાં, માછીમારોની બોટને મોટેભાગે હરામી નાળા કે કોરી ક્રીકના દરિયાઈ રસ્તે ભારતીય સીમામાં ઘુસાડવામાં આવે છે અને એક વખત ભારતીય સીમામાં ઘુસી આવ્યા બાદ તેમાંથી કેટલાક ત્રાસવાદીઓ પોતાના સ્થાનિક સંપર્કોની મદદથી ભારતના અન્ય શહેરો જેવાં કે અમદાવાદ,મુંબઈ, હૈદરાબાદ સુધી પહોંચી જાય છે. ૨૦૦૮ના મુંબઈ હુમલાનો કારસો રચવા પાકિસ્તાની ત્રાસવાદીઓ, પાકિસ્તાનના કરાંચી નજીકના દરિયામાંથી આજ હરામી નાળા અને કોરી ક્રીક પાર કરીને, છેક ભારતીય સીમામાં કચ્છમાં પ્રવેશ્યા હતા અને અહીંથી છેક મુંબઈ સુધી પહોંચી ગયા હતા. 

દરમ્યાન, કચ્છની આંતરરાષ્ટ્રીય જળસીમાએથી એકસાથે ૧૧ જેટલા પાકિસ્તાની માછીમારો ઝડપી લેવાતાં સુરક્ષા એજન્સી સતર્ક બની છે અને સમગ્ર દરિયાઈ વિસ્તારની એર-રેકી પણ કરવામાં આવી રહી છે.