ઇન્દોર: ગઈ કાલે ઇન્દોરમાં રમાયેલી ODI મેચમાં ન્યુઝીલેન્ડે ભારતને 41 રનથી હરાવ્યું, આ સાથે ન્યુઝીલેન્ડે ત્રણ ODI મેચની સિરીઝ 2-1થી કબજે કરી. ભારતીય ટીમે ત્રણ વર્ષ બાદ ઘરઆંગણે ODI સિરીઝ હારી. ભારતીય ટીમની હાર માટે ઘણાં કારણો જવાબદાર રહ્યા.
ભારતીય ટીમ હવે લાંબા સમય સુધી ODI મેચ રમવાની નથી, ત્યારે ન્યુઝીલેન્ડ સામે હાર બાદ જાણવા મળેલી ખામીઓ સુધારવા ટીમ મેનેજમેન્ટ પાસે સમય છે. ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ હાર પાછળ ખાસ કરીને ટોપ ઓર્ડર બેટર તરીકે રોહિત શર્મા અને ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજાની નિષ્ફળતા જેવા મહત્વના કારણો જવાબદાર રહ્યા.
રોહિત શર્માનો ક્રિઝ પર ટકી ના શક્યો:
રોહિત શર્માનો ટોપ ઓર્ડરમાં પ્રભાવશાળી પ્રદર્શન ન કરી શક્યો. ત્રણેય ODI મેચમાંથી એકેયમાં રોહિત ટીમને વિસ્ફોટક શરૂઆત આપી ન શક્યો. આક્રમક શોટ રમવાને બદલે તે સાંભળીને શોટ રમતો દેખાયો, જે તેની નેચરલ ગેમની વિરુદ્ધ છે. તે ઝડપી આઉટ થઇ જતા, શુભમન ગિલ અને વિરાટ કોહલી પર ઇનિંગ આગળ વધારવાનું દબાણ વધી ગયું.
રવિન્દ્ર જાડેજાએ નિરાશ કર્યા:
રવિન્દ્ર જાડેજાને ભારતીય ટીમનો સૌથી ભરોસાપાત્ર ઓલરાઉન્ડર માનવામાં આવે છે, પરંતુ ન્યુઝીલેન્ડ સામેની ત્રણેય ODI મેચમાં તેનું પ્રદર્શન ખુબ જ સાધારણ રહ્યું, જેને કારણે ટીમની મુશ્કેલીઓ વધી ગઈ.
જાડેજા મિડલ ઓવરમાં વિકેટ ન લઇ શક્યો. છેલ્લી મેચ તે ડેરિલ મિશેલ અને ગ્લેન ફિલિપ્સની જોડીને તોડી ન શક્યો, છેલ્લી ODIમાં તેણે ફક્ત 6 ઓવર ફેંકી અને 41 રન આપ્યા અને એક પણ વિકેટ ન લઇ શક્યો.
જાડેજાનું આ નબળા પ્રદર્શનને કારણે કુલદીપ યાદવ અને અન્ય સ્પિનર્સને મદદ ન મળી, જેની અસર મેચના પરિણામ પર પડી.
જાડેજાની બેટિંગ પર નજર કરીએ તો, તે 4, 27 અને 12 રન જ બનાવી શક્યો.
મિડલ-ઓર્ડરના બેટર્સ સંઘર્ષ કરતા જોવા મળ્યા:
ન્યુઝીલેન્ડ સામેમી છેલ્લી ODI મેચમાં શ્રેયસ ઐયર અને કેએલ રાહુલ સંઘર્ષ કરતા જણાયા. છેલ્લી ODI મેચમાં માત્ર નવ ઓવરના ગાળામાં ભારતીય ટીમનો સ્કોર 28/0 થી 71/4 પર પહોંચી ગયો હતો. વિરાટ કોહલીની 124 રનની શાનદાર ઇનિંગ નિષ્ફળ રહી. નીતિશ કુમાર રેડ્ડીએ 43 બોલમાં 52 રન બનાવ્યા પણ ભારતને શ્રેયસ કે રાહુલ પાસેથી સારી ઇનિંગની આશા હતી.
ફિલ્ડીંગ ઘણી સારી થઇ શકી હોત:
ભારતના દિગ્ગજ ક્રિકેટર ગાવસ્કરે છેલ્લી ODIમાં ખરાબ ફિલ્ડીંગને ટીમની હારનું કારણ ગણાવ્યું. ગાવસ્કરે કહ્યું "હું નામ નહીં લઉં, પરંતુ કેટલાક ખેલાડીઓએ સળતા સિંગલ આપી દીધા, મને લાગ્યું કે ફિલ્ડિંગ ઘણી વધુ સારી થઇ શકી હોત."