જૂનાગઢઃ અંધશ્રદ્ધાના નામે માનવતાને શરમાવે તેવી ઘટના જૂનાગઢમાં સામે આવી હતી. એક આધેડનું તાંત્રિક વિધિના બહાને અપહરણ કરી નશાકારક વસ્તુ સુંઘાડી બેભાન કરવામાં આવ્યો હતો. જે બાદ ઠાઠડીમાં બાંધીને પ્રાઈવેટ પાર્ટમાં ગરમ સળિયાના ડામ આપવામાં આવ્યા હતા. આ ચકચારી કેસમાં જૂનાગઢ પોલીસે આરોપીની ગણતરીના કલાકોમાં જ ધરપકડ કરી હતી.
બાપાની વિધિ છે તેમ કહી વિશ્વાસમાં લીધા
મળતી વિગત પ્રમાણે, ગત સપ્તાહે આરોપી સાગર ચૌહાણ આધેડના ઘરે પહોંચ્યો હતો અને બાપાની વિધિ છે તેમ કહી વિશ્વાસમાં લીધા હતા. જે બાદ આધેડને મોટર સાયકલ પર બેસાડી અવાવરુ રસ્તે લઈ ગયો હતો. જ્યાં આધેડને છરી બતાવી જાનથી મારવાની ધમકી આપી નશાકારક પદાર્થ સુંઘાડી બેભાન કર્યા હતા. જે બાદ બીજા દિવસે તેઓ ભાનમાં આવ્યા ત્યારે દુબળી પ્લોટ આરોગ્ય કેન્દ્ર પાછળ ઠાઠડી પર બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા. આરોપીએ તેમને નિર્વસ્ત્ર કરી હાથ, પીટ અને ગુપ્ત ભાગો પર ગરમ વસ્તુથી ડામ આપી અત્યાચાર ગુજાર્યો હતો.
પીડિતે પોલીસને જણાવ્યું કે, આરોપી સાગર ચૌહાણ તેને ઘરકામ આપવાના બહાને બોલાવી ગયો હતો. ત્યારબાદ તેણે ક્રૂરતાપૂર્વક ઢોર માર મારી અર્ધમૃત હાલતમાં છોડી દીધો હતો. જેથી તેના પરિવારે સારવાર અર્થે ખસેડ્યા હતા. આટલું જ નહીં આરોપીએ પીડિતના ઘરે જઈને પણ આતંક મચાવ્યો હતો. લોખંડના પાઈપ વડે વાહનોમાં તોડફોડ કરી પરિવારને જાનથી મારવાની ધમકી આપી હતી.
જૂનાગઢ પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના આધારે ગણતરીના કલાકોમાં જ આરોપીને દબોચી લીધો હતો. આ જઘન્ય ગુનામાં અન્ય કોઈ તાંત્રિક કે સાગરીત સામેલ છે કે કેમ તેની તપાસ શરૂ કરી હતી.